Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

૬૦ થી વધુ PIને બઢતી સાથે ૧ર૦ થી વધુ DYSPઓના ફેરફારનો તખ્તો ગોઠવાઇ રહયો છે

જીપીએસસીની લીલીઝંડીઃ બઢતી લીસ્ટ અંતે ગૃહ ખાતામાં: બદલી-બઢતીની કવાયત પુરજોશમાં કોણ કયાં મુકાશે? કોને સજા જેવુ સ્થાન મળશે? કોને ક્રીમ પોષ્ટીંગ મળશે ? અટકળોની આંધી

રાજકોટ, તા., ૧પઃ  રાજય પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ ફેરફારોની લાંબા સમયથી ચાલતી ચર્ચામાં કંઇ હિલચાલ નજરે ન ચડતા હવે આઇપીએસ અધિકારીઓ માફક અખબારો પણ આ બાબતને સ્પર્શ કરવાનું લગભગ નહિવત કરી નાખ્યુ હોવાથી આઇપીએસ અધિકારીઓની રહી-શહી આશા પર પણ પુર્ણવિરામ મુકાઇ ગયું છે.

આવા વિપરીત સંજોગો વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓને ડીવાયએસપી તરીકે બઢતી આપવાની ચર્ચાઓ અંતે હકિકતમાં પરીણમે તે મુજબની કાર્યવાહી થતા સિનીયર કક્ષાના પોલીસ ઇન્સ્પેકટરોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

આઇપીએસ અધિકારીઓને બઢતી આપવા માટે ભલે ડીપીસી ન થઇ હોય પરંતુ પીઆઇ ટુ ડીવાયએસપી બઢતી માટેની ડીપીસી પુર્ણ થયા બાદ નામો ફાઇનલ કરી અંદાજે ૬૦ થી ૬પ જેટલા નામોને મંજુરીની મહોર લગાવી નિયમ અનુસાર ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન અર્થાત જીપીએસસીમાં મોકલવામાં આવેલ.

સુત્રોના કથન મુજબ જીપીએસસીમાંથી ઉકત બઢતી લીસ્ટને લીલીઝંડી આપવામાં આવી છે. અર્થાત ગૃહ ખાતામાં આ લીસ્ટ પરત આવ્યું છે. એક અંદાજ મુજબ ૬૦ થી ૬પ પીઆઇઓને ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવે તો તેની સામે ૧ર૦ થી વધુ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના બદલી ઓર્ડરો પણ પીઆઇઓની બઢતી સાથે થશે.

જીપીએસસીમાંથતી પોલીસ ઇન્સ્પેકટરોને બઢતી આપતું લીસ્ટ ગૃહ ખાતામાં પહોંચી ગયાની હકિકત રાજયભરના પોલીસ તંત્રમાં આગની માફક પ્રસરી ગઇ છે. આ ચર્ચાના પગલે કોણ કયાં મુકાશે ? કોને સજા જેવું સ્થાન આપવામાં આવશે? અને કોને ક્રીમ પોષ્ટીંગ મળશે? તેની નામ જોગ ચર્ચાઓ ચાલી રહી છે. ચોક્કસ અધિકારીઓને તો સારા પોસ્ટીંગ મળ્યા પહેલા જ તેમને અભિનંદન મળવા શરૂ થઇ ગયા છે.

સંભવીત બદલી-બઢતીના ફેરફારમાં  સારા પોસ્ટીંગ પોતાને મળે  તે માટે મોટા ભાગના પોલીસ ઇન્સ્ઘ્પેકટરો તથા સાઇડમાં  ફરજ બજાવતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ પણ પોત-પોતાની રીતે યેન-કેન પ્રકારણના પ્રયત્નો તેજ કર્યાની ચર્ચા પોલીસ તંત્રમાં મોટાપાયે ચાલેી રહી છે.

(2:41 pm IST)