Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અંતે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડીયાનું ધરપકડ વોરંટ ઇસ્યુ જારી કર્યું :એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જાહેર

બે વાર સમન્સ આપ્યા છતાં હાજર નહીં થતા અને વિવિધ જગ્યાએ તપાસ બાદ પગલું

અમદાવાદ :રાજ્યના મસમોટા બીટકોઈન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને બે વાર સમન્સ આપ્યા બાદ હાજર નહીં થતા સીઆઈડી ક્રાઈમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદ અને અમરેલીમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત અમરેલીના સસ્પેન્ડેડ એસ. પી ,જગદીશ પટેલના વહીવટદાર કોન્સ્ટેબલની તપાસ માટે પણ જૂનાગઢ તથા અમરેલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પણ નલિન કોટડીયાની કોઈ ખબર નહીં મળતા સીઆઈડી ક્રાઈમે આખરે નલિન કોટડિયાનું ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમજ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ જાહેર કરી દીધી છે.

   બીટકોઈન  કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ નિશ્ચિત થઈ છે. જેમાં આરોપી કિરીટ પાલડીયાએ ધરપકડ બાદ કોટડીયાને પણ આ કૌભાંડના નિશ્ચિત હિસ્સો આપવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ તે રકમ સીઆઈડી ક્રાઈમે નલિન કોટડીયાના અંગત વ્યકિત પાસેથી કબજે પણ લીધી છે. જેની બાદ નલિન કોટડીયાને બે વાર સમન્સ બજાવ્યા છતાં તે હાજર થયા ન હતા.

(11:53 am IST)