Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગુજરાતીઓની શ્રદ્ધા અકબંધઃ ગમે તે થાય અમારે કેદારનાથની યાત્રા કરવી જ છે

અમદાવાદઃ સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાંથી અનેક શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા શરુ થવાની રાહ જોતા હોય છે. શિયાળાના 6 મહિના સુધી મુખ્ય યાત્રા ધામ બંધ રહ્યા બાદ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખૂલતા જ રાજ્યભરના શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાના પ્રતિક સમા આ ધામની યાત્રા કરવા માટે નિકળી પડે છે. જોકે ચારધામ પૈકી કેદારનાથ ખાતે પાછલા થોડા વર્ષોમાં ભારે બરફવર્ષા બાદ આવેલ હોનારત છતા અમદાવાદના ટૂર ઓપરેટર્સ દ્વારા જણાવ્યા મુજબ બુકિંગમાં 20% જેટલો વધારો થયો છે.

અક્ષર ટ્રાવેલ્સના મેનેજિંગ ડિરેક્ટર મનિષ શર્માએ કહ્યું કે, ‘હકીકતમાં શ્રદ્ધાળુઓનો આ વધારો થવાનું કારણ તેમની શ્રદ્ધામાં વધારો અને તેમની વચ્ચે રહેલું આશ્ચર્ય છે. કેમ કે પાછલા બે વર્ષમાં ભારે હોનારત અને ખરાબ વાતાવરણના કારણે રોડ તેમજ જંગલો ધોવાઈ ગયા પણ કેદારનાથ મંદિરને કંઈ જ થયું ન હોવાથી આ પવિત્ર યાત્રા ધામ પ્રત્યે લોકોની શ્રદ્ધામાં વધારો થયો છે.

તાજેતરમાં કેદારનાથ યાત્રાએ જઈ આવેલ ચતુર પટેલ(59) કહ્યું કે, ‘હું અને મારી પત્ની ચાર ધામ યાત્રાએ જવા માટે પાછલા બે-3 મહિનાથી વિચારી રહ્યા હતા. અમને ત્યાં વાતાવરણ કેવું હશે તેની જરા પણ ચિંતા નહોતી કેમ કે નવી ટેક્નોલોજીના કારણે અમે લાઇવ વેધર ફોરકાસ્ટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ હતા. ગમે તે થાય અમારે યાત્રા કરવી જ હતી અને ખરેખર આ ખૂબ જ યાદગાર અનુભવ રહ્યો હતો.

તેમજ ટૂર ઓપરેટર્સે કહ્યું કે, ‘તાજેતરમાં મંદિરની બાજુમાં યોજવામાં આવતો લેઝર શો પણ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ માટે વસાવવામાં આવેલ નવી ટેક્નોલોજી અને મંદિર પરિસરમાં કરવામાં આવેલ યોગ્ય ફેરફારના કારણે વધુ પ્રમાણમાં લોકો આ શો માણી શકે છે જેના કારણે પણ શ્રદ્ધાળુઓની વધુ સંખ્યામાં આકર્ષાયા છે તો બીજીબાજુ હેલિકોપ્ટર ફેરી સર્વિસની સંખ્યા પણ વધી છે. જેથી લોકો સહેલાઈથી અહીં સુધી પહોંચી શકે છે.

પોતાની પત્ની સહિત અન્ય 20 મિત્રો-સંબંધીઓ સાથે તાજેતરમાં ગ્રુપ યાત્રામાં ગયેલા ચાંદખેડાના રહેવાસી રમેશ પટેલે કહ્યું કે, ‘સમગ્ર પ્રવાસ દરમિયાન રોડની સ્થિતિ ખૂબ સારી હતી અને સમગ્ર હાઇવે પર ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની કામગીરી ઉત્તમ હતી. તેઓ સતત થોડા થોડા અંતરે વાહનો, ટ્રાફિક જામ અને વાતાવરણની સ્થિતિ અંગે ગાઇડન્સ આપી રહ્યા હતા. જેના કારણે અમારી આ યાત્રા ખૂબ જ આનંદમય અને સુખદ રહી હતી.

(6:42 pm IST)