Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પાંચ લાખથી વધુનો દારૂ પકડાય તો બુટલેગર અને પોલીસ અધિકારીની સાંઠગાંઠ છે કે નહીં તેની તપાસ કરાશેઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પરિપત્ર

અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ તમામ પોલીસ સુપ્રિટેન્ડન્ટ, રેન્જ આઇ.જી અને પોલીસ કમિશનર્સને એક પત્રમાં જણાવ્યું છે કે રૂપિયા પાંચ લાખથી વધુ કિંમતનો દારૂ પકડાય ત્યારે બુટલેગર અને પોલીસ અધિકારીની સાંઠગાંઠ છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવે. ડીજીપીએ પોતાના પત્રમાં પાંચ લાખથી વધુ કિંમતનો દારૂ પકડાયો ત્યારે તેની તપાસ આઈજી અથવા સંયુક્ત કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવાની સૂચના આપી છે.

ડીજીપીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે પાંચ લાખ કરતાં વધુ કિંમતનો દારૂ પકડાય ત્યારે લ્યા રાજ્યની ફેક્ટરીથી આવ્યો છે તેની તપાસ કરવામાં આવે, તેમાંથી નીકળેલો દારૂ ક્યા માર્ગે કેવી રીતે ગુજરાતમાં તેણે પ્રવેશ કર્યો છે, ક્યા રૂટનો અને ક્યા સમયનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવે. દારૂનો જથ્થો જે વાહનમાં લાવવામાં આવ્યો તે વાહન માલિકી કોની હતી, દારૂ લાવનાર કોણ હતો વગેરે તપાસ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે ખાસ કરી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવે ત્યારે અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંપર્ક હતા કે નહીં તેની પણ તપાસ પોતાના અહેવાલમાં સામેલ કરવામાં આવે. આ દારૂ ખરીદવા માટે કોને ચુકવણું કર્યું તેની પણ તપાસ થાય.

ડીજીપીએ એકરાર કર્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કાયદાનો કડક અમલ થઈ નથી રહ્યો જેના કારણે હજી પણ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બાબતે પાંચ લાખથી વધુની કિંમતનો દારુ ઝડપાય તો તપાસ જિલ્લામાં રેન્જ આઇજી કરશે. શહેરમાં સંયુક્ત પોલીસ કમિશનર કક્ષાના અધિકારી આ બાબતની તપાસ કરશે.

(6:36 pm IST)