Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગુજરાત સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવાની સત્તા કલેકટરને સોંપવાનો નિર્ણય

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રજૂઆત સફળ

અમદાવાદ : કોરોનાના સંક્રમણથી બચાવવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત સરકારને રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવા માટે સક્ષમ વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવાની સત્તા કલેકટરને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા દર્દીઓ તથા તેઓના સ્વજનોને ઘણી રાહત થઇ છે. આ અંગે ચેમ્બરે સુરતના કલેકટર ડો. ધવલ પટેલને રજૂઆત કરી હતી.

ચેમ્બર દ્વારા 13 એપ્રિલ 2021ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે, છેલ્લાં ઘણા વખતથી લોકો તથા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ તથા કર્મચારીઓનો ઘણો મોટો વર્ગ કોરોનાથી સંક્રમિત થયો છે ત્યારે જો સમયસર અને પર્યાપ્ત જથ્થામાં રેમડેસિવિર ઇન્જેકશન આ દર્દીઓને નહીં મળે તો પ્રદેશ જ નહીં પણ રાજ્ય અને આખો દેશ ભયાનક આર્થિક તકલીફમાં મૂકાઇ શકે તેમ છે. માત્ર નવી સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવાની યોજના સુરતના ધંધા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા દર્દીઓ તથા લોકોના જીવનું જોખમ વધારી રહયું છે અને એના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહેતી નથી.

ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફની કમી હોવાના કારણે દર્દીઓના પરિવારમાંથી જ કોઇકે હોસ્પિટલો વતી નવી સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઇનમાં ઉભા રહી રાહ જોવી પડે છે અને તેથી પણ સંક્રમણ થવાની શકયતાઓ વધી જાય છે અને લોકોની હાલાકીમાં પણ વધારો થઇ રહયો છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા સરકારને એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોને અધિકૃત રેમડેસિવિર ઉત્પાદકતા પાસેથી સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા ભાવમાં સીધી ખરીદી કરવાની પરવાનગી મળવી જોઇએ અને તે અંગે સક્ષમ વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવામાં આવે.

જો એવું શકય નહીં થાય તો દરેક ખાનગી હોસ્પિટલોને પોતાની હોસ્પિટલમાં રહેલા બેડની ક્ષમતા પ્રમાણે રેમડેસિવિર ઇન્જેકશનનો રિઝર્વ જથ્થો મળી રહે એવી વ્યવસ્થા થવી જોઇએ અને આ જથ્થાનું 24 કલાક ઓનલાઇન મોનીટરીંગ થવું જોઇએ. જેના થકી વપરાશ આધારીત નવો જથ્થો મળી રહે તે પ્રમાણે રિઝર્વ સ્ટોક રાખવાની વ્યવસ્થા ઉભી થવી જોઇએ.

આથી રાજ્ય સરકાર દ્વારા ચેમ્બરની ઉપર મુજબની સક્ષમ વ્યવસ્થા ઉભી કરવાની માંગણીને સ્વીકારી લેવામાં આવી છે અને રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવાની સત્તા જિલ્લા કલેકટરને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ હોમ કવોરન્ટાઇન થઇને ઘરે જ સારવાર લઇ રહેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

(6:46 pm IST)