Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

આણંદ શહેરમાં સ્મશાનમાં ગેસની ચિતા બંધ થઇ જતા અંતિમ વિધિમાં લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

આણંદ:શહેરમાં આવેલ કૈલાસભૂમિ ખાતે કોરોના દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવે છે ત્યારે છેલ્લા ૧૦ દિવસથી આણંદ કૈલાસભૂમિ ખાતેની ગેસ ચિતા બંધ થઈ જતા અંતિમ વિધિ અર્થે અત્રે આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

આણંદ જિલ્લામાં માર્ચ માસથી કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે જે એપ્રિલ માસ દરમ્યાન બેકાબુ બનતા ફક્ત ૧૨ દિવસમાં કોરોનાના ૩૧૦ કેસો નોંધાતા તંત્રની ચિંતાઓ વધવા પામી છે. હાલ કોરોનાના કારણે કેટલાક વ્યક્તિઓએ  પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે તંત્રના ચોપડે માત્ર ૧૮ કેસ નોંધી તંત્ર સંતોષ વ્યક્ત કરી રહ્યો હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. આણંદ ખાતેના વિવિધ કોવિડ સેન્ટરો ખાતેથી કોરોના સંક્રમિત મૃતદેહને અંતિમક્રિયા માટે આણંદના કૈલાસભૂમિ ખાતે લાવવામાં આવે છે. ઈલેક્ટ્રીક ગેસ ચિતાના કારણે મૃતદેહોની અંતિમવિધિ ૧૦ થી ૧૫ મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી. પરંતુ ગેસ ચિતા બગડેલ હોવાથી હાલમાં મૃતક વ્યક્તિની અંતિમ વિધિ બે થી ત્રણ કલાકના સમયગાળા દરમ્યાન થઈ રહી હોવાનું અને લાકડાનો પણ વ્યય થઈ રહ્યો હોવાનું નાગરિકો જણાવી રહ્યું છે. હાલ તો આણંદ કૈલાસભૂમિ ખાતે ગેસ ચિતા બગડી ગયેલ હોઈ કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને વિદ્યાનગર અથવા કરમસદ ખાતે આવેલ સ્માશનગૃહમાં અંતિમવિધિ માટે મોકલવામાં આવતા હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. જેના કારણે સ્વજનોને સમય અને નાણાંનો વ્યય થતો હોવાનો રોષ સ્વજનો દ્વારા ઠાલવવામાં આવ્યો  હતો. જો કે હાલમાં આણંદની કૈલાસભૂમિ ખાતે પાછળના ભાગમાં બગડેલ ગેસ ચિતા બિસ્માર હાલતમાં રઝળતી  પડી હોવાનું જોવા મળી રહ્યું છે.

(5:40 pm IST)