Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વડોદરામાં રેમડેસીવિર ઇન્જેકશનના કાળા બજાર પ્રકરણમાં આરોપી કૃણાલ પટેલ ૩ દિવસના રિમાન્ડ ઉપર

વડોદરા: વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારનો મામલો રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એસઓજી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સપ્લાયર કૃણાલ પટેલ, ડો. મિતેશ ઠક્કર અને મેલ નર્સ જિગ્નેશ પટેલની ધરપકડ કરી છે. કૃણાલ પટેલના ઘરેથી સર્ચ દરમિયાન પોલીસને 1.65 લાખ મળી આવ્યા હતા. કૃણાલ પટેલના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

શું છે સમગ્ર મામલો

પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરી બેફામ લૂંટફાટ ચલાવતાં ડો. ધીરેન નાગોરા તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના નર્સ રાહુલ વાળંદને બે દિવસ પહેલા ઝડપી પાડયા હતા. ઇન્જેક્શનની મૂળ કિંમત 2500 હતી જેની સામે આરોપી ડો ધીરેને બ્લેકમાં 7500 જ્યારે આરોપી રાહુલે 5400ની કિંમતના ઇન્જેક્શનના 9 હજાર રૂપિયા પડાવ્યા હતા.

આરોપી ડો ધીરેને પોલીસ પૂછપરછમાં મિત્ર જીગ્નેશ પટેલ મારફતે કૃણાલ પટેલ નામના શખ્સ પાસેથી 5 હજારમાં ઇન્જેક્શન લીધું હોવાની કબૂલાત કરી.જેના આધારે પોલીસે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેની શ્રીજી હોસ્પિટલમાં નોકરી કરતાં કૃણાલ પટેલને પણ ઝડપી પાડયો છે.

ડો ધીરેનપાસેથી એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત

પી સી બી પીઆઈ જે જે પટેલે કહ્યું કે આરોપી ડો ધીરેન નાગોરા પાસેથી મળેલું અવંતિકા કંપનીનું ઇન્જેક્શન એક્સપોર્ટ ક્વોલિટીનું છે, આ ઇન્જેક્શન તેને કૃણાલ પટેલે આપ્યુ હતું. દેશમાં આ ઇન્જેક્શન વેચાણ ન કરી શકાય તેમ હોવા છતાં કૃણાલ પાસે કેવી રીતે પહોચ્યું? તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પી સી બી પોલીસ તપાસ કરે તે પહેલા જ પોલીસ કમિશ્નરે તપાસ એસઓજી પોલીસને સોંપી દીધી.

અમદાવાદથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એક ટીમ વડોદરા દોડી આવી હતી. તેમણે પણ ઇન્જેક્શનની ચકાસણી કર્યા બાદ એસ ઓ જી પોલીસની ટીમને સાથે રાખી અમદાવાદની અવંતિકા કંપનીમાં તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક લોકોની અટકાયત કરી વડોદરા લેવાયાં હોવાની વિગત સૂત્રો પાસેથી મળી છે.

(4:26 pm IST)