Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સુરતમાં કોરોનાના કહેરમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઇઃ લાકડાઓ ખુટી પડતા રસ્તા ઉપરથી વૃક્ષોની ડાળીઓ તોડી લાકડીઓ સ્મશાનમાં મોકલાય છે

સુરત: સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. સતત અંતિમ સંસ્કારને લઈ બે ચિતાઓને નુકસાની થઈ છે. આ કારણે મૃતદેહોના અંતિમ સંસ્કારનું લિસ્ટ લંબાયું છે. તો સાથે જ અંતિમ વિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. એક તરફ જ્યાં સ્મશાન ગૃહમાં ચીમનીઓ પિઘળવા લાગી છે, ત્યાં બીજી તરફ, સ્મશાન ગૃહોમાં મૃતદેહોને બાળવા માટે લાકડા પણ ખૂટી રહ્યાં છે.

બેડ, ઓક્સિજન બાદ હવે લાકડાની અછત

સુરતના અશ્વિની કુમાર અને રામનાથ ઘેલા સ્મશાન ઘાટના પ્રમુખ હરીશભાઈ ઉમરીગરનું કહેવુ છે કે, અહી રોજ 100 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે. સુરતના નવા પાલ, લિંબાયત સ્મશામ ગૃહમાં લાકડાની અછત ઉભી થઈ છે. ત્યારે સુરતમાં હવે બેડ, ઓક્સિજન બાદ હવે લાડકાની અછત ઉભી થઈ છે. ત્યારે હવે સુરતના રસ્તા ઉપરના વૃક્ષો ટ્રીમીગ કરી લાકડા અને ડાળીઓ સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી રહી છે.

એકલા સુરતમાં જ 2.88 લાખ કિલો લાકડાં વપરાયા

સૂત્રો દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવાં મોટાં શહેરોમાં જ રોજના 600 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે, જેમાં આશરે 96 હજાર કિલો લાકડું વપરાઈ જાય છે. ત્યારે હવે વધુ લાકડુ ક્યાંથી લાવવું તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એકલા સુરતમાં જ રોજના દસેક ટ્રક ભરીને નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં લવાઈ રહ્યાં છે. એકલા સુરતમાં જ 2.88 લાખ કિલો લાકડાં વપરાઈ ગયાં. સ્મશાનોના કર્મચારીઓના કહેવા પ્રમાણે, એક મૃતદેહની અંતિમવિધિમાં આશરે 160 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે. હાલ મૃતદેહો બાળવા માટે દેશી બાવળ, આંબો અને કુલમૂલ જેવાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ કરાય છે.

સ્મશાન ગૃહમાં ચીમની પિઘળતા લાકડા તરફ વળવુ પડ્યું

લાકડાંથી અંતિમસંસ્કારની મુશ્કેલી એટલે વધી ગઈ છે કે વિદ્યુત ભઠ્ઠીની સંખ્યા હજુ ઓછી છે અને મૃતદેહો વધારે. વિદ્યુત ભઠ્ઠીમાં ત્રણ કે ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર પછી મશીનનું મેન્ટેનન્સ કરવું પડે છે. વિદ્યુત ભઠ્ઠીને 24 કલાકમાં એક વાર બેઝિક રિપેરિંગ માટે થોડા કલાક બંધ રાખવી પડે છે. અધિકારીઓએ જણાવ્યુ કે, ગત એક સપ્તાહથી મૃતદેહોને બાળવામાં તકલીફો ઉભી થઈ રહી છે. ગેસ આધારિત ભઠ્ઠીઓ સતત ચાલુ છે, જેથી તેના મેઈનટેઈનન્સમાં તકલીફો આવી રહી છે.

સ્મશાન ગૃહમાં 24 કલાકમાં 6 ગેસ ચીમની બળે છે

સ્મશાન ગૃહ દ્વારા માહિતી મળી કે, સ્મશાન ગૃહમાં 6 ગેસ ભઠ્ઠી 24 કલાક તપ છે અને તાપમાન 600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ કારણે લોખંડની ભઠ્ઠી અને ચીમની પીઘળવા લાગે છે. ગરમીને કારણે તેમાં તિરાડ પડી રહી છે. મશીનના આ ભાગને બદલવુ પડે છે. સુરતમાં સૌથી જૂનુ અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. તેથી અમે લાકડાની ચિતાઓ વાપરવાનો નિર્ણય કર્યો છે.

(4:25 pm IST)