Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

છોટા ઉદેપુરના આદિવાસી વસ્તી ધરાવતા ગામોની અનોખી પરંપરાઃ વરરાજાના બદલે તેની બહેન જાય છે જાનમાં: કુળદેવતા નારાજ થતા હોવાની માન્યતાથી વરરાજા ઘરમાં જ પુરાઇ રહે છે

અમદાવાદઃ લગ્નમાં વાજતે ગાજતે વરઘોડો નીકળે.પરંપરા મુજબ લગ્ન થતા હોય પરંતુ તેમાં વરરાજા જ ન હોય તો.વિચારીને જ નવાઈ લાગે છે.પરંતુ ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યા આ હકીકત છે.જેના લગ્ન હોય તે માંડવે નહીં પણ ઘરમાં પુરાઈને રહે છે.તેની પાછળ પણ છે અનોખો ઈતિહાસ..

અનોખા રીતરિવાજોની પરંપરા

કહેવત છે કે બાર ગામે બોલી બદલાય.પરંતુ આપણા દેશમાં તો રિવાજો પણ પ્રાંત વાઈસ બદલાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશને અડીને આવેલા ૩ ગામ એવા છે જ્યાં વરરાજા લગ્નમાં જાન લઈને નથી જતા.પરંતુ વરરાજા બહેને ઘોડી બર બેસી વાજતે ગાજતે જાન લઈને જાય છે.

વરરાજા ઘરમાં બેસે અને બહેન તલવાર સાથે ઘોડીએ ચડે

છોટાઉદેપુરમાં આદિવાસી વસ્તી ધરાવતા ગામ સુરખેડા, સનાડા અને અંબાલામાં આ અનોખી પરંપરા છે.જેમાં વરરાજા જાનમાં નથી જતા પરંતુ તેના બદલે તેની બહેન જાય છે.છે.બહેન હાથમાં તલવાર અને વાંસની એક ટોપલી હાથમાં લઈને જાય છે.વરરાજા શેરવાની પહેરીને ઘરમાં પુરાઈને બેસી રહે.બહેન પરણીને ઘરે આવી ભાભીને સોંપે છે.ત્યાર બાદ અમુક વિધિ બાદ પત્ની સાથે વરરાજા ઘર-સંસારની શરૂઆત કરે છે.

કુંવારી બહેન વાજતે-ગાજતે જાય છે ભાભીને પરણવા

કુળદેવતા નારાજ થતા હોવાની માન્યતાથી લગ્નવાળા દિવસે વરરાજા ઘરમા જ પુરાઈને બેસે છે.અને તેની કુંવારી બહેન ઘોડીએ ચડી ભાભીને પરણવા જાય છે.સગી બહેન ન હોય તો કઝિન પણ પરણવા જઈ શકે છે.પરંતુ લગ્નવાળા દિવસે વરરાજા કોઈ પણ કાળે ઘરની બહાર નથી નીકળી શકતા.આ અનોખી પરંપરા અને અનોખા લગ્ન આ ત્રણ ગામની ઓળખ બની ગઈ છે. આપણા દેશમાં અનેક પરંપરાઓ જોવા મળે છે.શાસ્ત્રો મુજબ વિધિ મુજબ લગ્ન થતા હોય છે.પરંતુ વરરાજા લગ્નમાં ન હોય તો નવાઈ લાગે.પરંતુ છોટાઉદેપુરના આ ત્રણ ગામમાં જાનમાં વરરાજા હશે ત્યારે નવાઈ લાગશે.

ભાભીના સેથામાં નણંદ સિંદૂર પૂરે

છોટાઉદેપુરની આ અનોખી પરંપરા મુજબ વરરાજાની બહેન ઘોડીએ ચડી જાન લઈને ભાભીના ઘરે પહોંચે છે.મંડપમાં ચોરીના ચાર ફેરા પણ નણંદ જ ભાભી સાથે ફરે.એટલું જ નહીં પણ નણંદ ભાભીને મંગળસૂત્ર પહેરાવી સેથામાં સિંદૂર પણ પૂરે છે.અને લગ્ન થયા બાદ નણંદ ભાભીને ઘરે લઈ આવે છે.

ગામના કોઈ પુરુષે પોતાના લગ્ન જ નથી જોયા

આ એવા ગામો છે.જેમાં કેટલાક વર્ષોથી કોઈ પણ પુરુષે પોતાના લગ્ન જ નથી જોયા.ગામના લોકોની દ્રઢ માન્યતા છે જો કોઈ પણ યુવક આ પરંપરાને તોડશે તો તેની સાથે કંઈ અનહોની થઈ શકે છે.

વરરાજા લગ્નમાં જાય તો ક્રોધિત થઈ જાય છે કુળદેવતા

આ ગામના લોકોના કહેવું છે કે ત્રણેય ગામના એક એક કુળદેવતા હતા.જેમણે પોતાના જીવનમાં લગ્ન નહોંતા કર્યા.જીવનભર બ્રહ્મચારી રહ્યા હોવાથી કુળદેવતા બીજાના લગ્ન પણ નથી જોઈ શકતા.જો વરરાજા પોતાના લગ્નમાં જાય તો કુળદેવતા નારાજ થઈ જાય છે.અને લગ્ન હોય તે પરિવાર અને યુવક સાથે કંઈક ખરાબ બની શકે છે.જેથી આ ત્રણ ગામમાં વરરાજા પોતાના લગ્નમાં ઘરે જ રહે છે.

(4:24 pm IST)