Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હવે દેશદ્રોહી હરકતોને દેશનો યુવાન સાંખી નહીં લે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

યુવા સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર : ભાજપ સરકારની દરેક યોજનાઓના કેન્દ્ર સ્થાને પીડિતો, વંચિતો અને દલિતો રહ્યા છે : સર્વાંગી વિકાસને પ્રાથમિકતા

અમદાવાદ,તા.૧૪ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતે યુવા સંમેલનને સંબોધતા જણાવ્યુ હતુ કે, આજે રામનવમીના પવિત્ર પર્વે આપણે સૌ આસુરી તત્વો પર દૈવીશક્તિનો વિજય થાય તે માટે સંકલ્પબધ્ધ થઇએ. ભાજપાની આ સરકાર અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે કટિબધ્ધ છે. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાનું એકમાત્ર સુત્ર છે કે, અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, મહેંગાઇ પે લગામ, ઔર હટાદો ભ્રષ્ટાચારી બદનામ.. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કહેતા હતા કે આરામ હરામ હૈ ત્યારે દેશના યુવાનોએ નેહરુજીને પુછ્યું હતુ કે, ''આરામ હરામ હૈ, તો કામ કહાં હૈ ?, નારા દિયા હૈ તો ફીર અંજામ દિજીયે''. નેહરુના સમયથી બેકારોની ફોજ વધતી ગઇ છે. યુવાનોને હાકલ કરતા રૂપાણીએ જણાવ્યુ હતુ કે, દેશનું યુવાધન આ દેશનું ભવિષ્ય છે. જ્યારે વાત રાષ્ટ્રહિતની હોય, દેશદાઝની હોય, ત્યારે યુવાનોએ આ બાબતોને પ્રાધાન્ય આપી દેશહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા પ્રતિબધ્ધતા દર્શાવવી જોઇએ. ભાજપાની કેન્દ્ર સરકારે યુવાનોને સ્વનિર્ભર બનાવવા અનેક સ્વરોજગારીની તકોનું નિર્માણ કરવા હેતુ અસંખ્ય પગલાંઓ લીધા છે. જેમાં મુદ્રા યોજના અંતર્ગત વગર જામીને ૫૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે, જેમાં મહિલા લાભાર્થીઓના કિસ્સામાં ૫૦ ટકા અને પુરુષ લાભાર્થીઓના કિસ્સામાં ૨૫ ટકા રકમની ગેરંટર સરકાર બને છે. આપણ દેશના યુવાનો વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મીલાવી શકે તે માટે વિદેશ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને લોનની સુવિધા તદ્ઉપરાંત તે વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આર્થિક રીતે પગભર બને ત્યારબાદ તે લોનની ચૂકવણીની સુવિધા સરકારે આપી છે. યુવાનોના સશક્તિકરણ માટે અને યુવા સાહસીકોને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ''સ્ટાર્ટઅપ ઇન્ડિયા'', ''ડીજીટલ ઇન્ડિયા'' અને ''સ્કીલ ઇન્ડિયા'' જેવી યુવાલક્ષી યોજનાઓને અમલમાં મુકી છે. દેશના ઉભરતા યુવા ખેલાડીઓને યોગ્ય તક અને પ્લેટફોર્મ મળી રહે તથા તેઓને વૈશ્વિક કક્ષાની અત્યાધુનિક રમતગમતની સગવડ અને તાલીમ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રની ભાજપા સરકારે ''ખેલો ઇન્ડિયા'' અભિયાન ખુબ જ જોમ અને જુસ્સા સાથે કાર્યરત કર્યુ છે. રૂપાણીએ નવા યુવા મતદારોને લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજાવતાં જણાવ્યુ હતુ કે, આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રાજકિય સ્થિરતા અને અસ્થિરતા વચ્ચેનો છે. નરેન્દ્ર મોદીએ ૫ વર્ષ સ્થીરતાથી શાસન કરીને દેશનો તેજ ગતિથી વિકાસ કર્યો છે. જ્યા સ્થીરતા હોય ત્યા પ્રગતિ થાય છે અને અસ્થીરતા હોય ત્યાં અરાજકતા ઉભી થાય છે. કોંગ્રેસ અને ગઠબંધનમાં તેમના વડાપ્રધાન કોણ બનશે તે પણ હજુ નક્કી નથી. રાહુલ, મમતા, લાલુપ્રસાદ, માયાવતી બધાને વડાપ્રધાન બનવુ છે. કોંગ્રેસ પાર્ટી ૧૫૦ વર્ષ જુની પાર્ટી છે. આટલી જુની પાર્ટીમાં હવે કોઇ સિધ્ધાંત, મર્યાદા, નીતિમત્તા કે દેશદાઝ રહ્યા નથી. યુવાનોને ઉશ્કેરી દેશવિરોધી તત્વોને સમર્થન આપતી કોંગ્રેસને ખુલ્લી પાડતાં રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી જેએનયુમાં અફઝલગુરુની શોકસભામાં ''ટુકડે ટુકડે ગેંગ''ના રાષ્ટ્રદ્રોહીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ શોકસભામાં દેશવિરોધી નારા લગાવીને દેશના યુવાધનને ગેરમાર્ગે દોરવાની ચેષ્ટા કરી હતી, રાહુલ ગાંધીની આવી દેશદ્રોહી હરકતોને આ દેશનો યુવાન ક્યારેય સાંખી લેશે નહી.

 

(9:42 pm IST)