Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમદાવાદ : તાપમાન ૪૨.૨ સુધી અકબંધ રહેતા પરેશાની

રવિવાર હોવાથી લોકો ઘરની બહાર ન નિકળ્યા : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમીનું મોજુ

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. પારો હજુ પણ ઉપર જવાની સંભાવના દેખાઈ રહી છે. હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવેલી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૨, વડોદરામાં ૪૨.૪, ભુજમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે પારો ૪૨સુધી રહી શકે છે. આકાશમાંથી આગ વરસે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉંચા તાપમાનમાં સામાન્યરીતે કોઇ નુકસાન થઇ શકે તેમ નથી પરંતુ નવજાત શિશુ, મોટી વયના લોકોને ક્રોનિક રોગ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર ગરમીને ટાળવાના પ્રયાસ થવા જોઇએ. હળવા વસ્ત્રો પહેરવા જોઇએ જેમાં લાઇટ કલરના કોટનના વસ્ત્રો ઉપયોગી રહે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. હિટવેવની કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરાઈ નથી. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો જેમકે રાજકોટ અને અમરેલીમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. સાબરકાંઠા, વડોદરા, સુરત, પાટણ, ગાંધીનગરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને લઈને ભારે આશ્ચર્યનું મોજુ લોકોમાં ફેલાયું છે. જોકે હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળી ન હતી. અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમીના કારણે લોકો હવે ભારે પરેશાન થઇ ગયા છે. આજે બપોરના ગાળામાં તો લોકો ઘરમાંથી બહાર પણ ન નિકળી શકે તેટલી હદ સુધી ગરમીનો અનુભવ થયો હતો. રસ્તાઓ ઉપર ગરમ પવનોના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. હવામાન વિભાગની આગાહીને પણ ધ્યાનમાં લેવાઈ રહી છે.

મહત્તમ તાપમાન.......

અમદાવાદ, તા. ૧૪ : અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું રહ્યું તે નીચે મુજબ છે.

શહેર........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૪૨.૨

ડિસા............................................................ ૪૧.૨

ગાંધીનગર...................................................... ૪૨

વડોદરા....................................................... ૪૨.૪

વીવીનગર................................................... ૪૦.૪

અમરેલી...................................................... ૪૧.૬

સુરેન્દ્રનગર.................................................. ૪૧.૩

રાજકોટ....................................................... ૪૦.૩

ભુજ............................................................. ૪૧.૩

કંડલા એરપોર્ટ............................................. ૪૦.૮

ભાવનગર.................................................... ૩૯.૯

સુરત........................................................... ૪૦.૮

(9:03 am IST)