Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અમિત ભટનાગર સહિત ૩ સામે બિનજામીનપાત્ર વોરંટ

સીબીઆઇ કોર્ટે ત્રણેયની જામીન અરજી ફગાવી : કુલ ૧૯ બેંકોને ૨૬૦૦ કરોડથી વધુનો ચુનો લગાવવાના કાંડમાં ડાયમંડ પાવરના ડાયરેકટર ભટનાગરને પછડાટ

અમદાવાદ,તા. ૧૫ : દેશની ૧૯ જેટલી બેંકોને રૂ.૨૬૦૦થી કરોડથી વધુનો ચુનો લગાડવાના ચકચારભર્યા કેસમાં વડોદરાના આરોપી ઉદ્યોગપતિ અમિત ભટનાગર સહિત ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સીબીઆઇ કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતા અને છેતરપીંડીની રકમનો આંક ધ્યાને લઇ આરોપીઓને આગોતરા જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. વધુમાં, સીબીઆઇ કોર્ટે આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર થવામાંથી બચતા રહેતા આરોપી અમિત ભટનાગર સહિતના ત્રણ આરોપીઓ વિરૃધ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના આરોપી ડિરેકટરો સુરેશ ભટનાગર અને તેમના બે પુત્રો અમિત ભટનાગર અને સુમીત ભટનાગર દ્વારા દેશની ૧૯ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી જુદા જુદા સમયે રૂ.૨૬૫૪ કરોડથી વધુની લોનો મેળવી હતી અને બાદમાં આ લોનોની રકમ બેંકોમાં ભરપાઇ કરવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. આરોપીઓ દ્વારા પબ્લીક અને બંેંકોના હજારો કરોડ ચ્યાંઉ કરી દેવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા તાજેતરમાં જ તેમની વિરૃધ્ધ જરૃરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તેની રીતે તપાસનો દોર ચલાવાયો હતો. દરમ્યાન આ કેસમાં પોતાની સંભવિત ધરપકડથી બચવા ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના આરોપીઓ સુરેશ ભટનાગર, અમિત ભટનાગર અને સુમીત ભટનાગર દ્વારા સીબીઆઇ કોર્ટમાં આગોતરા જામીન દાખલ કરવામાં આવી હતી, જે કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સાથે સાથે અદાલતી કાર્યવાહીમાં સહકાર નહી આપવામાં આરોપીઓના વલણની ગંભીર નોંધ લઇ સીબીઆઇ કોર્ટે અમિત ભટનાગર સહિતના ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

(7:42 pm IST)