Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પોલીસ કોન્સ્ટેબલોની સામુહિક આત્મહત્યાની ધમકી : હાઇકોર્ટમાં ડે. રજીસ્ટ્રારે પોલીસ વડાને જાણ કરી : તમામ જિલ્લા પોલીસ વડાઓ તથા કમિશ્નરોને એલર્ટ અપાયું

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર પાઠવી કેટલાક પોલીસ કોન્સ્ટેબલોએ સામુહિક આત્મહત્યાની ધમકી ઉચ્ચારી હોવાનું જણાવ્યું છે અને જો આ થશે તો તેની જવાબદારી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની રહેશે તેમ જણાવ્યું છે.

આ પત્રના અનુસંધાનમાં ડીજીપીએ રાજયના તમામ જિલ્લા પોલીસ  વડા તેમજ તમામ પોલીસ કમિશ્નરોને આ બાબતે એલર્ટ આપી છે. ખાતાકીય પરીક્ષામાં અંગ્રેજીનું પેપર ફૂટી ગયાનો મામલો છે. એટલે કોન્સ્ટેબલોએ જણાવ્યું છે કે જો એક મહિનામાં પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે તો સામુહિક આત્મવિલોપન કરીશું. તેની જવાબદારી મુખ્યપ્રધાનની રહેશે. જશુ વસાવા નામના પોલીસ કોન્સ્ટેબલે પત્ર લખ્યો છે કે ર૭ જુલાઇ ર૦૧૭ના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષા લેવાઇ હતી જેમાં અંગ્રેજીનું પેપર ફૂટી ગયું હતું. જેમાં ગૌણ સેવા પસંદગીના ચેરમેન આસીત વોરાએ એક બાલદી ભરીને કાપલીઓ પકડી હતી. ૧૧૦૦ પરીક્ષાર્થી ચોરી કરતા પકડાયા હતા આ પેપર સુનીલ નાયક નામના કોન્સ્ટેબલ દ્વારા ફોડવામાં આવ્યું હતું પરીક્ષા ઇન્ચાર્જ એસ.જી. જાવલેએ રૂ. પ થી ૪૦ લાખ લઇ ૧૧૦ ઉમેદવારોને પાસ કર્યા છે. આ ઉમેદવારોને પાંચ માર્કસ પણ આવે તેમ નથી. સ્ટેટ પોલીસ કન્ટ્રોલ રૂમના ડીવાયએસપી જીજી. જસાણીએ તમામ જિલ્લા પોલીસ વડા અને તમામ પોલીસ કમિશ્નરોને યોગ્ય પગલા લેવા જણાવ્યું છે.

(12:10 pm IST)