Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભ્રષ્ટાચારમાં સામેલ કોઈને પણ છોડાશે નહીં : સરકાર

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં ઘણા પગલાઃ એસીબી કેસ માટે કોર્ટ દીઠ કુલ ૨ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે : કેસોનો ઝડપથી નિકાલ લવાશે : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ,તા.૧૪: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, શાંત, સલામત અને સમૃધ્ધ ગુજરાતની સાથે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે અનેક સ્તુત્ય પગલાં લીધા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે હાથ ધરેલાં યજ્ઞને રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૂપાણી આગળ વધારી રહ્યા છે અને એટલે જ રાજ્યના વિકાસના ચાર નિર્ણાયક માપદંડોમાં પારદર્શીતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોના માળખાને અતિઆધુનિક, મજબૂત અને પ્રજાભિભૂખ બનાવી પારદર્શકતા લાવવા રાજ્યના ગૃહ વિભાગની એક બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તા. ૧૯-૦૩-૨૦૧૮ તથા ૦૪-૦૪-૨૦૧૮ રોજ મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસ પ્રક્રિયા આગળ વધે અને તેમાં પારદર્શિતા જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે એસબીના માળખાને વધુ સુદ્દઢ બનાવવા રાજ્યના ગૃહ વિભાગે અનેક પગલાં લીધા છે. એસીબીની કામગીરી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બને તે માટે પ્રોસીક્યુશન, ફોરેન્સીક ઈન્વેસ્ટીગેશન, પુરતુ મહેકમ, અને આધુનિકરણ માટે નાણાકીય ઉપલબ્ધિ અને આયોજન એમ પાંચ આધારસ્તંભોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એસીબીએ તેની કાર્યપ્રણાલિને વધુ પરિણામલક્ષી બનાવવા માટે આગામી પાંચ વર્ષ માટેનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમઓયુ કરાયા છે. એટલું જ નહીં પરંતુ સીબીઆઈ એકેડેમી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સીક સાયન્સીઝ યુનિવર્સિટી સાથે તાલીમ માટે, ગુજરાત સ્ટેટ જ્યુડીશીયલ એકેડીમી સાથે, ગુજરાત સ્ટેટ લેવલ લીગત સર્વીઝ ઓથોરિટી સાથે તથા ટેકનીકલ એન્ડ ફોરન્સીક સપોર્ટ યુનિટ સાથે પણ વિવિધ એમઓયુ કરાયા છે. એસબીની માળખાને વધુ પ્રજાભિમુખ બનાવવા આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ચાલતાં ટ્રાયલના એસબીના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. અન્ને ઉલ્લેખનીય છે કે, એસીબીના મહત્વના કેસો માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક રાજ્ય સરકારે કરેલી છે. આ ઉપરાંત સીબીઆઈની પધ્ધતિ મુજબ એસીબીના કોર્ટમાં ચાલતા કેસો અંગે પબ્લીક પ્રોસીક્યુટર અને તપાસ અધિકારીને પ્રોસિક્યુશનમાં મદદરૂપ થવા માટે લીગલ સપોર્ટ સ્ટાફની નિમણૂંક એક કોર્ટ દીઠ કરાશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી ઝડપથી મળે તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને એસીબીના નિયામક દર માસે એક બેઠકનું આયોજન કરશે. વર્ગ ૧ના અધિકારી વિરુધ્ધ તપાસ કરવા માટે એસીબીએ માંગેલી મંજૂરીની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સચિવઓની કમિટિ બનાવવામાં આવશે.

(9:49 pm IST)