Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

બંધારણે આપેલા અધિકારોના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે

બાબા સાહેબને વિજય રૂપાણીએ શ્રદ્ધાજલિ આપીઃ બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં સૌને સમાન અધિકારો સૌને ન્યાયનાં સિધ્ધાંતો સુનિશ્ચિત કર્યા

અમદાવાદ,તા.૧૪: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલિ આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, સરકાર કોઈપણ સમાજને બંધારણે આપેલા અધિકારોની સુરક્ષા-રક્ષા માટે સદાય પ્રતિબધ્ધ રહેવાની જ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ડૉ.બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં સૌને સમાન અધિકાર સૌને ન્યાયનાં સિધ્ધાંતો સુનિશ્ચિત કરેલા છે તેમાં કોઈપણ અધિકાર લઈ લેવા નહી પરંતુ તેના રક્ષણ-સુરક્ષિત રાખવા સરકાર હંમેશા કટીબદ્ધ છે અને રહેવાની જ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કમાં સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સામાજીક ન્યાય મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણભાઈ અને અનેક મહાનુભાવો અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, ડૉ.આંબેડકર સવાસો કરોડ દેશવાસીઓનાં નેતા છે. તેમણે બંધારણમાં જે માનવીય અધિકારોના રક્ષણની વાત છે તેનું પાલન કરીને ગુજરાત સરકાર પીડિત, શોષિત, વંચિત દલિત સૌના વિકાસ માટે કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, સૌને સમાન ન્યાય અધિકારોનાં રક્ષણ માટે ડૉ. આંબેડકરે સંગઠિત બનવા શિક્ષિત બનવાનો જે કોલ આપેલો છે તેને ગુજરાતમાં આપણે સૌનો સાથ સૌનો વિકાસનાં મંત્રથી એક બની નેક બની સામાજીક સમરસતા, એકતા, બંધુતાથી પાર પાડ્યો છે. મુખ્યમંત્રીએ ખોટી અફવાઓ ફેલાવનારાઓથી દુર રહેવા અનુરોધ કરતાં કહ્યું, સમાજમાં દલીત વંચિત વર્ગો પણ વિકાસનાં માર્ગે સૌની સાથે આગળ વધે એજ સરકારની સંકલ્પબધ્ધતા છે.

(9:50 pm IST)