Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કોમર્સ વીઝાર્ડ-૨૦૧૮ ટેલેન્ટ સર્ચ ટેસ્ટનું કરાયેલું આયોજન

દેશભરમાં કોમર્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટનું આયોજનઃ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટેસ્ટમાં દેશના વિદ્યાર્થી નોંધણી કરાવી શકશે

અમદાવાદ,તા.૧૪:       ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓમાં કોમર્સ વિષયને લોકપ્રિય બનાવવા અને વ્યવહારિક અને વૈચારિક અભિગમ સાથે વિદ્યાર્થીની આંતરિક પ્રતિભા અને કૌશલ્ય નિખારવાના ઉમદા આશયથી આઇસીએઆઇના બીઓએસ હેઠળ આઇસીએઆઇ કોમર્સ વિઝાર્ડ-૨૦૧૮ કોમર્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં નવેમ્બર-૨૦૧૮માં લેવલ-૧ની ઓનલાઇન પરીક્ષા અને જાન્યુઆરી-૨૦૧૯માં લેવલ-૨ની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાંથી ધોરણ-૯,૧૦,૧૧, ૧૨ અને બી.કોમ, બીબીએ, બીએમએમસ અને સંલગ્ન વિષયોની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં ભાગ લઇ શકશે એમ અત્રે આઇસીએઆઇના કેરિયર કાઉન્સેલીંગ ગ્રુપના કન્વીનર સીએ મુકેશસિંઘ કુશવાહ અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન ધીનલ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાંથી ઉપરોકત વિદ્યાર્થીઓ-ઉમેદવારો આઇસીડબલ્યુ.આસીએઆઇ.ઓઆરજી વેબસાઇટ મારફતે પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આઇસીએઆઇના કેરિયર કાઉન્સેલીંગ ગ્રુપના કન્વીનર સીએ મુકેશસિંઘ કુશવાહ અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન ધીનલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ ટેસ્ટમાં ફર્સ્ટ રેન્ક હોલ્ડરને આઇસીએઆઇ દ્વારા રૂ.૭૫ હજારનું ઇનામ અપાશે, સેકન્ડ રેન્ક હોલ્ડરને રૂ.૫૦ હજાર અને થર્ડ રેન્ક હોલ્ડરને રૂ.૨૫ હજારનું ઇનામ એનાયત કરાશે. આ સિવાય ૨૫૦ ઉમેદવારોને પ્રત્યેકને રૂ.૫૦૦નું કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવશે. ઉપરાંત, ટેસ્ટમાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને આઇસીએઆઇનું અપ્રીસીએશન સર્ટિફિકેટ એનાયત પણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, શૈક્ષણિક જીવનમાં ગોખેલુ જ્ઞાન જીવનમાં કામમાં નથી આવતું, તેથી વિદ્યાર્થીઓને તેના જીવનમાં ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેની હિંમત ખુલે અને તેનું કૌશલ્ય વિકસી શકે તેવા  ઉમદા આશય સાથે આ ટેલેન્ટ સર્ચ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. લેવલ-૧ની પરીક્ષા ઘેરબેઠા ઓનલાઇન આપી શકાશે, જે ૧૦૦ માર્કસની હશે અને ૭૫ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. જયારે લેવલ-૨ની પરીક્ષા પહેલા લેવલમાંથી પસંદ થયેલા ઉમેદવારો જ આપી શકશે. મેનેજમેન્ટ કમીટી દ્વારા નિશ્ચિત કરાયેલ કેન્દ્રો પરથી તે ઓનલાઇન લેવાશે. ઓબ્જેકટીવ પ્રકારના ૧૦૦ પ્રશ્નો સાથે ૧૦૦ માર્કસની આ પરીક્ષા ૯૦ મિનિટમાં ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે. આ બંને પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવાશે.  આ પ્રસંગે આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન નીરવ ચોક્સીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાની આ કોમર્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટમાં કોઇ શાળા કે શિક્ષણ સંસ્થા પણ તેના વિદ્યાર્થીઓ કે ઉમેદવારોના ગ્રુપનું રજિસ્ટ્રેશન કરાવી શકશે, તે ઓપ્શન પણ વેબસાઇટ પર અપાયું છે. ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ માટે આ બહુ પ્રતિષ્ઠિત ટેસ્ટમાં ભાગ લેવાની બહુ ઉમદા તક આઇસીએઆઇ દ્વારા પૂરી પાડવામાં આવી છે, જેનો મહત્તમ વિદ્યાર્થીઓએ લાભ લેવો જોઇએ. આઇસીએઆઇ કોમર્સી વિઝાર્ડ ટેસ્ટ દેશના વિદ્યાર્થીઓને કોમર્સ સ્ટ્રીમમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા શિક્ષિત કરશે અને પ્રોત્સાહિત કરશે.

(9:51 pm IST)