Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજ્યમાં કાલથી ટ્રાફિક નિયમ ભંગનો કાયદો કડક રીતે અમલ કરાવાશેઃ હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતની બાબતોમાં દંડ ફટકારાશે

સુરતઃ રાજ્ય સરકાર દ્વારા કાલે તા.૧પના રવિવારથી ટ્રાફિક નિયમન ભંગનો કાયદો કડક રીતે અમલ થાય તેવી કામગીરી કરવામાં આવશે અને જુદી-જુદી બાબતોમાં નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવશે.

ચારેક મહિના પહેલાં સુરત શહેર સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇ-ચલણ ફટકારવાનું બંધ કરાયું હતું. જોકે, રાજ્યના ગૃહ વિભાગના આદેશ અન્વયે હવે આવતીકાલથી ટ્રાફિક નિયમો તોડવા બદલ વાહનચાલકોને ફરીથી ઇ-ચલણ ઇશ્યૂ કરવામાં આવશે. ઇ-ચલણના દંડની રકમ ટ્રાફિકની ચોકીઓ ઉપરાંત બેંકોમાં ભરી શકાય તેવી પણ વ્યવસ્થા કરાય છે.

મળતી વિગતો પ્રમાણે સુરત શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ હેઠળના ૬૦૦થી વધુ કેમેરા પોલીસને વિવિધ ગુનાના ભેદભરમ ઉકેલવામાં મદદરૃપ તો થઇ રહ્યા છે પણ સાથોસાથ આ સીસીટીવી કેમેરાથી ટ્રાફિક મેનેજમેન્ટ પણ સુવ્યવસ્થિત ઢબે થઇ રહ્યું છે. પોલીસતંત્ર ઓફિસમાં બેઠો-બેઠો ટ્રાફિક સિસ્ટમ પર બાજ નજર પણ રાખી રહ્યો છે અને ટ્રાફિકના નિયમોના ભંગ કરનારાઓ કેમેરામાં કેદ થતા હોય તેઓને ઇ-મેમો પણ અપાઇ પોલીસતંત્ર દ્વારા અપાઇ રહ્યા છે. જોકે, ચારેક મહિના પહેલાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ઇ-મેમો સિસ્ટમ બંધ કરી દેવાઇ હતી. વાહનચાલકોને ઇ-મેમો નહિ ઇશ્યૂ કરવા આદેશ જારી કરાયો હતો.

દરમિયાન ગત તા. ૧૨-૪-૧૮ના રોજ ગૃહ વિભાગે આગામી તા.૧૫-૪-૧૮થી ટ્રાફિક નિયમના ભંગ બદલ ફરીથી ઇ-ચલણ અમલીકરણ કરવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ આવતીકાલ તા.૧૫મીથી મેમો ઇશ્યૂ કરશે. આ અંગે ટ્રાફિકના એસીપી ઝેડ.એ.શેખે જણાવ્યું કે, મોટર વ્હિકલ એક્ટ અનુસાર ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઇ-મેમો ફટકારવાનું શરૃ કરાશે. વારંવાર ભયજનક રીતે વાહન ચલાવવાના કિસ્સામાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી દેવાશે. ઇ-ચલણના દંડના નાણાં પોલીસ કમિશનર કચેરી-અઠવાલાઇન્સ તથા ટ્રાફિક શાખાની ચોકીઓ જેમ કે અઠવાગેટ ચોકી, અઠવા ચોપાટી ચોકી, રોકડિયા હનુમાન ચોકી, દિલ્હીગેટ ચોકી, ગીતાંજલિ-વરાછા ચોકી પાસે ભરી શકાશે. આ ઉપરાતં, આઇસીઆઇસીઆઇ બેંક, વરાછા કો.ઓ.બેંક, સુટેક્ષ બેંક, યશ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, સુરત પીપલ્સ બેંકની કોઇપણ ખાતામાં પણ દંડની રકમ ભરી શકાશે.

વધુમાં આરટીઓમાં વાહનમાલિકની વિગતોના આધારે ઇ-ચલણ ઇશ્યૂ થતું હોય છે. જેથી જે લોકોએ વાહનનું વેચાણ કર્યુ હોય કે પોતાનું સરનામું બદલી નાંખ્યું હોય તો તેઓએ પોતાની વિગતો આરટીઓમાં અપડેટ કરાવી લેવા પણ જણાવાયું છે.

(8:14 pm IST)