Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અમદાવાદ : પબજી ગેમ રમતો યુવાન રખિયાલમાંથી પકડાયો

પબજી પર પ્રતિબંધ બાદ અમદાવાદનો સૌપ્રથમ કેસઃ રખિયાલ પોલીસે અર્બનનગર ચાર રસ્તા પાસેથી સરફરાઝ મહંમદ નસીમ શેખ નામના યુવકની ધરપકડ કરતા ચકચાર

અમદાવાદ,તા. ૧૫: અમદવાદ શહેરમાં પબજી ગેમ પર પ્રતિબંધ લદાયો હોવાછતાં આ ગેમ રમનાર યુવકની રખિયાલ પોલીસે આજે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાયા બાદ પબજી ગેમ રમતા પકડાયેલો આ સૌપ્રથમ કેસ છે, તેને લઇ ભારે ચર્ચા ચાલી હતી. રખિયાલ પોલીસે યુવકનો મોબાઈલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ પહેલાં જ અમદાવાદ શહેર પોલીસે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જારી કર્યું હતું. દરમ્યાન પ્રતિબંધિત હોવાછતાં પબજી ગેમ એક યુવક રમી રહ્યો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે, રખિયાલ પોલીસે અર્બનનગર ચાર રસ્તા પાસેથી સરફરાઝ મહંમદ નસીમ શેખ (ઉ.વ.૨૦, રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, રખિયાલ)ને રસ્તા ઓર પબજી ગેમ રમતા ઝડપી લીધો હતો. અમદાવાદ શહેરમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ હોવા છતાં ગેમ રમતા પોલીસે સરફરાઝ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પબજી ગેમ મામલે અમદાવાદ શહેરમાં આ પહેલો ગુનો નોંધાયો હતો. આ બનાવને પગલે આજે અમદાવાદ શહેરમાં પણ ભારે ચકચાર મચી હતી.

ઉલ્લેખનીય છે કે, પબજી ગેમથી બાળકો પર પડી રહેલી અસરને કારણે રાજકોટ શહેર પોલીસે તાજેતરમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ પર થોડાક દિવસો પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં શહેરમાં કોઇને ખબર ન પડે તેમ પબજી ગેમ લોકો રમી રહ્યા હતા. તેની સામે શહેર પોલીસે લાલ આંખ કરતા તાજેતરમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનામાં પબજી રમતા રાજકોટના દસ લોકોને ઝડપી લીધા હતા. જો કે, બાદમાં પકડાયેલા તમામ લોકોને જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. રાજકોટ બાદ વડોદરા અને અમદાવાદમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાયો હતો.

(9:53 pm IST)