Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગુજરાતની તમામ ૨૬ બેઠક ભાજપને નહી જીતવા દઇએ

રાહુલ-પ્રિયંકાની જનસંકલ્પ રેલીને સફળતા મળી : કોંગી હાઇકમાન્ડે સ્થાનિક નેતાગીરીથી માંડી વોર્ડ પ્રમુખો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા : તૈયારીઓ વધુ તીવ્ર

અમદાવાદ,તા. ૧૫ : તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમીટીની મહત્વની બેઠક અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની જન સંકલ્પ રેલી અને જાહેરસભાને ભવ્ય સફળતા મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં ખાસ કરીને નાના કાર્યકરોથી માંડી વોર્ડ પ્રમુખો અને સ્થાનિક નેતાગીરીમાં ભારે ઉત્સાહ, જોશ અને નવો સંચાર ફુંકાયો છે. રાહુલ-પ્રિયંકાની જન સંકલ્પ રેલી અને સફળતામાં કોંગ્રેસના અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખો અને નાનામાં નાના કાર્યકરોની પણ બહુ મહેનત કામ કરી ગઇ, જેને લઇ કોંગ્રેસની આ જન સંકલ્પ રેલીની ભવ્ય સફળતા બદલ ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સ્થાનિક નેતાગીરીથી માંડી વોર્ડપ્રમુખો અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓની કામગીરીને બિરદાવાઇ છે. ખુદ રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવી બિરદાવ્યા હતા. કોંગી હાઇકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં ફુંકાયેલા નવા પ્રાણ અને જોશના સંચાર બાદ હવે અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખોથી માંડી કાર્યકરો અને સ્થાનિક નેતાઓ આ વખતે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ભાજપને કોઇપણ સંજોગોમાં નહી જીતવા દેવા માટે લડાયક મિજાજમાં આવી ગયા છે. આજે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખોની એક મહત્વની બેઠક પણ મળી હતી. જેમાં મણિનગર વોર્ડના પ્રમુખ તન્મય શેઠ, પાલડી વોર્ડ પ્રમુખ દેવાંગ નાયક, નવરંગપુરા વોર્ડ પ્રમુખ જય પટેલ, ખોખરા વોર્ડ પ્રમુખ અપૂર્વ પટેલ, બોડકદેવ વોર્ડ પ્રમુખ વિરમ દેસાઇ સહિતના વોર્ડ પ્રમુખો અને આગેવાનોએ ભાગ લીધો હતો. બેઠકમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, કાર્યકરો અને આગેવાનોએ ગુજરાત લોકસભાની ગત ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપ કબ્જે કરી ગયું હતું, તેના બદલે આ વખતે કોંગ્રેસ શકય હોય તો તમામ ૨૬ બેઠકો હસ્તગત કરે અથવા તો મહ્ત્તમ બેઠકો જીતી ભાજપને જોરદાર પછડાટ આપે તેવો સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ કાર્યકરો અને વોર્ડ પ્રમુખોને આ સંકલ્પ સાકાર કરવા માટે કામે લાગી જવા જોશભરી હાકલ કરવામાં આવી હતી. દરમ્યાન મણિનગર વોર્ડના કોંગ્રેસ પ્રમુખ તન્મય શેઠે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જન સંકલ્પ રેલી અને જાહેરસભાની સફળતા બદલ તમામ વોર્ડ પ્રમુખો અને નાનામાં નાના કાર્યકરોની બહુ મોટી મહેનત અને અથાગ પરિશ્રમ હતો, જેના કારણે એ દિવસે ેત્રણ લાખથી વધુની જનમેદની સ્વયંભુ એકત્ર થઇ હતી. આ જન સંકલ્પ રેલી અને સભાની સફળતા પાછળ કોંગ્રેસનું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું નેતૃત્વ પણ એટલા જ મહત્વના બની રહ્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ જન સંકલ્પ રેલી અને જાહેરસભાને સફળ બનાવી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણનો સંચાર કર્યો છે અને કાર્યકરો, વોર્ડપ્રમુખોથી લઇ સ્થાનિક નેતાગીરીમાં જોરદાર ઉત્સાહ, જોશ અને આશાનો સંચાર ફુંકયો છે. કોંગી અગ્રણી તન્મય શેઠે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં કોંગ્રેસના તમામ વોર્ડ પ્રમુખો કાર્યકરોને સાથે રાખી સ્થાનિક નેતાગીરીના માર્ગદર્શન અને કોંગી હાઇકમાન્ડના નિર્દેશાનુસાર, લોકોના ઘેર-ઘેર જઇ ભાજપના ખોખલા વચવાળી અને સત્તાલાલચુ રાજનીતિની પોલ ખોલશે અને કોંગ્રેસ તરફથી લોકજુવાળ ઉભો કરવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરશે.

(8:23 pm IST)