Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વડોદરાના સાંસદે દત્તક લીધેલ આસોજ ગામ બન્યુ અનેક સુવિધાઓથી સજ્જ

વડોદરા: લોકસભા ચૂંટણીની હવે તારીખો પણ જાહેર થઇ ગઇ છે ત્યારે પાંચ વર્ષ સુધી પ્રજાની સેવા કરનાર લોક પ્રતિનિધિ એટલે કે સાંસદે લીધેલા દત્તક ગામની વાસ્તવિક પરિસ્થિતિ જ કંઇક અલગ છે. વડોદરા જિલ્લાના સાંસદ રંજન ભટ્ટ દ્વારા દત્તક લેવાયેલા આ ગામમાં સાંસદ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે અંગેની હકિકત જાણવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલા આસોજ ગામને સાંસદ રંજન ભટ્ટે દત્તક ગામ તરીકે સ્વિકાર્યું હતું. આ ગામની જો વાત કરીએ તો 5 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે પટેલ, બ્રાહ્મણ, ભરવાડ, મુસ્લિમ, દલિત અને પાટનવાડીયા સમુદાયના લોકો રહે છે. ગત વર્ષે 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગામની જનતાએ ભાજપ પક્ષના પ્રતિનિધિ રંજન ભટ્ટને ખોબે ખોબા ભરી વોટ આપ્યા હતા અને બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ કરેલા મતદાનને કારણે રંજન ભટ્ટ સાંસદ પણ બન્યા હતા.

સાંસદ બન્યા બાદ તેઓએ આસોજ ગામન દત્તક ગામ તરીકે સ્વિકાર્યું અને ત્યારથી શરૂ થઈ આસોજ ગામની પ્રગતિ... આસોજ ગામનું પોતાનું એક મહત્વ છે. આ ગામમાં બે વિરલ વ્યક્તિના જન્મ થયા હતા. જેનાથી ગામની કીર્તિમાં વધારો થયો છે. સોખડા ખાતે નિર્માણ પામેલ હરિધામના પ્રેણેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય એવા હરિપ્રસાદ સ્વામી અને બીજા એવા જ સંત મુકુટરામ મહારાજનું જન્મ સ્થળ આસોજ ગામ છે. સાંસદ દ્વારા આ ગામને દત્તક લેતા પહેલાં આ ગામમાં ખાસ કોઇ સુવિધા અહીં થઇ ન હતી.

ગામમાં મોટા ભાગે જે ફળિયા આવેલા છે તે જગ્યાએ વરસાદના સમયે પાણી ભરાવવાની સમસ્યા રહેતી હતી. તો બીજી તરફ ગામના મુખ્ય માર્ગ પર લાઇટની વ્યવસ્થાનો અભાવ હતો. સાંસદ દ્વારા આસોજ ગામને દત્તક લેવાતા ગામની સુરત બદલાઇ ગઇ છે. ગ્રામજનોનું માનીએ તો તમામ ફળિયાઓ, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાળી શાળા ખાતે પેવર બ્લોકની કામગીરી સાંસદ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં મુખ્યુ પ્રશ્ન પીવાના પાણીનો હતો. જેનું નિરાકરણ સાંસદે નવી પાણીની ટાંકી બનાવીને લાવી આપ્યું છે.

આસોજ ગામની મહિલાઓ ગામની પ્રગતિથી ખુબ જ ખુશ છે. સાંસદ દ્વારા ગામની મુલાકાત લાવામાં આવે છે ત્યારે જે કાંઇ સમસ્યા હોય તે સાંસદને જણાવી તેમને તેનું નિરાકરણ લાવ્યું હોવાની વાત પણ કરી. આ ઉપરાંત ગામમાં ખાસ કરીને એલઇડી લાઇટો નાંખવાને કારણે મહિલાઓ ખુશ થઇ છે. સાંસદ દ્વારા આસોજ ગામને દત્તક લેવાની સાથે ગામની 134 જેટલી મહિલાઓને 5 લાખની સહાય સાથે નિ:શુલ્ક એલપીજી ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે. સાંસદ દ્વારા ગામની મહિલાઓની ચિંતા કરવામાં આવી છે એવી પ્રતીતિ સાથે મહિલાઓ પણ સ્વિકારી રહી છે કે આસોજ ગામનો વિકાસ થયો છે.

સાંસદ દ્વારા આસોજ ગામને દત્તક લીધા બાદ એટીવીટીની ગ્રાન્ટમાંથી 9 લાખનો ખર્ચ ગામના વિકાસ માટે કરવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રામજનોને પીવાના પાણીનો પ્રશ્ન મુખ્ય હોય તેઓએ એક લાખ લિટરની પાણીની ઓવરહેડ ટાંકી માટે પોતાની ગ્રાન્ટમાંથી 24 લાખ ફાળવ્યા છે. આ ટાંકીના કામ માટે 10 ટકા જેટલી લોક ભાગીદારી કરીને ગ્રામજનોને પણ ટાંકી બનાવવામાં નિમિત બનાવવાનું શ્રેય સાંસદ રંજનબેનને જાય છે.

સૌથી મહત્વની બાબત આસોજ ગામની એ છે કે આખું ગામ સીસીટીવી કેમેરા અને વાઇફાઇથી સજ્જ બન્યું છે. આ માટે સાંસદે બીપીએલ કંપની સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ કામગીરી કરાવી હતી. એ જ રીતે અન્ય કોર્પોરેટ હાઉસ પાસેથી ગામમાં સાર્વજનિક શૌચાલયનું નિર્માણ કરાવી કાર્ય કર્યું છે. સાંસદ દ્વારા આસોજ ગામને દત્તક લીધા બાદ એક પણ ઘર શૌચાલય વિનાનું ન રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમના સનિષ્ઠ પ્રયાસો બાદ આજે આસોજ ગામમાં 100 ટકા ODF ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે.

(4:33 pm IST)