Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સુરતી લાલાએ સિધ્ધિ વિનાયક મંદિરમાં ચડાવ્યુ ૧૦૧ કિલોનું મસાલા પાન

ઘરે સંતાન આવે એ માટે દોઢ વર્ષ પહેલાં લીધેલી માનતા સોમવારે પૂરી થતાં ખાસ ઓર્ડર આપીને બનાવ્યું આ પાન

મુંબઇ તા. ૧પ :.. સુરતના ડાયમન્ડના વેપારી નિમેષ ધામેલિયા સિધ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિદાદાને એકસો એક કિલોનું મહાકાય મસાલા પાન ચડાવીને સંતાન માટે લીધેલી પોતાની માનતા આજે પુરી કરી છે નિમેષભાઇએ ત્યાં લાંબા સમયથી સંતન નહોતું એટલે તેમણે માનતા રાખી હતી કે જો તેમને ત્યાં સંતાન આવશે તો તે પોતાને અતિ પ્રિય એવું મસાલા પાન ૧૦૧ કિલોનું બનાવીને ગણપતિદાદાને ચડાવશે.

નિમેષભાઇને ત્યાં સોમવારે દીકરીનો જન્મ થતાં તેમને ગઇકાલે આ માનતા પુરી કરી હતી. નિમેષભાઇએ કહયું હતું, 'પાન મને અનહદ પ્રિય છે, પણ સાથોસાથ આ માનતા પુરી કરવી પણ બહુ અઘરી છે. કલકત્તી કે બનારસી પાનની સાઇઝ હથેળી  જેવડી હોય એટલે સો કિલોનું પાન બનાવવાનું હોય તો એવડી સાઇઝનું પાન બનાવવું જ અઘરું પડી જાય.'

નિમેષભાઇએ કલકત્તી પાનને લવિંગથી જોડીને ૬૦૦૦ કલકત્તી પાનનું જરૂરીયાત મુજબનું મહાકાય પાન બનાવી એમાં ગુલકંદ, ટૂટીફુટી, ડ્રાયફ્રુટસ, મસાલા સોપારી, કોપરું, ખજૂર, ચેરી, સ્ટ્રોબેરી અને પાઇનેપલનું સિરપ અને અન્ય મસાલાઓ નખાવીને પાન બનાવડાવ્યું. મજાની વાત તો એ છે કે આ ૧૦૧ કિલોના મહાકાય પાનમાં પહેલેથી તૈયાર કરવામાં આવેલાં ૧ર૦૦ મસાલા પાન પણ મુકવામાં આવ્યા છે જેથી પ્રસાદીરૂપે આપવામાં પણ સરળતા રહે.

૧૦૧ કિલોનું આ મહાકાય મસાલા પાન બનાવવામાં ત્રણ દિવસ અને પંચ્યાસી હજારનો ખર્ચ થયો હતો. આ પાન આજે સવારે સિધ્ધિ વિનાયક મંદિરે ચડાવવામાં આવ્યું હતું.

(11:46 am IST)