Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પાટીદાર સમાજના 13 દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન થાય

અનામત આંદોલન વખતે પોલીસની ગોળીથી ઘાયલ થયેલા પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલએ વ્યથા ઠાલવી

અમદાવાદ ;પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસની ગોળીથી ઘાયલ પાટીદાર યુવાન પ્રતીકના પિતા બાબુભાઈએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે મારા પુત્રને ગોળી વાગ્યા પછી હાર્દિક સાથે કોઈ વાત નથી થઈ. હું તો કહી રહ્યો છું કે સમાજના 13 દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન આવે

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાાદ ખાતે 25મી ઓગષ્ટ, 2015ના રોજ પાટીદારોની વિશાળ રેલી થઇ હતી બાદમાં પાટીદાર અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મહેસાણાનો પ્રતિક પટેલને 26મી ઓગસ્ટના રોજ પોલીસની ગોળી વાગી હતી. જે બાદમાં તેનું જીવન દુષ્કર બની ગયું છે. અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે ત્યારે પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલે  હાર્દિક પર આકરા પ્રહારો કર્યા હતા

     હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો તે અંગે બાબુભાઈએ કહ્યુ કે, "હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાઈને સમાજ સાથે દગો કર્યો છે. હાર્દિકે આવું કરવાની જરૂર હતી. તેણે સમાજને બલીનો બકરો બનાવ્યા વગર સીધા કોંગ્રેસમાં જોડાઈ જવાની જરૂર હતી. 25મી ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પટેલે ખોટી જીદ પકડી હતી. બાદમાં હાર્દિકે તોફાનો કરાવ્યા હતા. સમાજના જુવાનીયાઓ તોફાનો કર્યા જેની સામે પોલીસે ફાયરિંગ કર્યું હતું. 26મી ઓગસ્ટના રોજ કર્ફ્યૂ દરમિયાન મારો પુત્ર બહાર નીકળ્યો હતો ત્યારે તેને ગોળી વાગી હતી

    સરકાર કે પાટીદાર સમાજ તરફથી કોઈ સહાય મળી છે કે નહીં તે અંગે વાત કરતા બાબુભાઈ પટેલે કહ્યુ કે, "ગોળી વાગવાના બનાવ બાદ પાટીદાર સમાજ અને સરકાર તરફથી સહાય મળી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ મારા ઘરે સરકાર કે પાટીદાર સમાજ કોઈ ફરક્યું નથી. હાલ અમારે મહિના રૂ. 25-30 હજારનો ખર્ચ થાય છે. અનામત મળશે તો દીકરાને દીકરાને કંઈક લાભ મળશે તેવું માનીને દીકરાને આંદોલન કરવા માટેની છૂટ આપી હતી. અમે સરકાર અને પાટીદાર સમાજને વિનંતી કરીએ છીએ કે અમારી હાલત સામે જોઈને અમારા માટે કંઈ કરે.

   હાર્દિક પટેલ મહેસાણામાંથી ચૂંટણી લડી શકે છે તેવા અહેવાલો વચ્ચે બાબુભાઈ કહ્યુ કે, "જો હાર્દિક પટેલ અહીંથી ચૂંટણી લડશે તો તેને મહેસાણામાં ઘૂસવા પણ નહીં દઈએ. હાર્દિક સભા કરશે તો મારો પરિવાર સોપ્રથમ વખત વિરોધ કરશે. બનાવ બાદ એક પણ વખત હાર્દિક મને ફોન નથી કર્યો. મેં ફોન કર્યા બાદ મારો ફોન નંબર તેણે બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો. ગોળી વાગ્યા પછી હાર્દિક સાથે કોઈ વાત નથી થઈ. હું તો કહી રહ્યો છું કે સમાજના 13 દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન આવે

(12:40 am IST)