Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

શિક્ષકોના પ્રશ્નો ટલ્લે ચડાવનાર સરકારમાં શૈક્ષણિક સંઘોનું એલાને જંગ : ધો.૧૦-૧રમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો બહિષ્કાર

શિક્ષણ સહાયકોને વેતનમાં તફાવત : સળંગ નોકરી, ફાજલનું કામ કાયમી રક્ષણ, રજાનું રોકડમાં રૂપાંતર સહિતના પ્રશ્ને હવે શિક્ષણસંઘ આક્રમક

રાજકોટ, તા. ૧૪ : છેલ્લા ઘણા સમયથી ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્ને લડત ચાલી રહી છે, પરંતુ સરકારે કોઇ નિર્ણય ન કરતા આખરે ઉત્તરવહી મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો છે. ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઇ પટેલ, ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તથા બંને મહામંડળના મહામંત્રી રમેશચંદ્ર ઠક્કર, સુરેશભાઇ પટેલ સંયુકત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ભેદ, સળંગ નોકરી, નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ અને નિવૃતિ સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં એમ ચાર પડતર માંગણીઓ અંગે છેલ્લા બે દિવસથી શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆતો ચાલુ છે છતાં આજદિન સુધી હજુ કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત ન થતા ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું પેપર ચકાસણી કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખેલ છે.આ અંગે અનુસંધાને ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની તા. ૧૬ માર્ચથી શરૂ થનાર ભૌતિક વિજ્ઞાન, ૧૮ માર્ચથી શરૂ થનાર રસાયણ વિજ્ઞાન અને ૧૯ માર્ચથી શરૂ થનાર જીવવિજ્ઞાન વિષયની ઉત્તરવહી ચકાસણી કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકશે નહીં, જે જિલ્લાઓમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હશે ત્યાં બંને મહામંડળના હોદ્દેદારો પેપર ચકાસણીનો બહિષ્કાર કરશે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબ થવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયામાં નડશે તેની જવાબદારી સરકારની રહેશે તેમ એક યાદીમાં મહામંડળે જણાવ્યું છે.

(3:26 pm IST)