Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાજપમાં સેન્સના શ્રીગણેશઃ ર૬ મુરતિયા માટે ૭૮ નિરીક્ષકો 'પોટલુ' બાંધશે

ત્રણ દિવસમાં અભિપ્રાય ભેગા કરી તા. ૧૭ થી ૧૯ વચ્ચે પાર્લામેન્ટરી બોર્ડમાં રજુ કરશેઃ ભાજપમાં ન હોય તેવા લોકોના પણ અભિપ્રાય લેવા નિર્દેષ

રાજકોટ તા. ૧૪ :.. લોકસભાની ચૂંટણીના ઢોલ વાગતા ગુજરાતમાં ભાજપે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. ર૬ લોકસભા બેઠકો માટે ર૩ એપ્રિલે મતદાન છે. ર૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય છે. ભાજપે લોકસભા ક્ષેત્ર દિઠ ત્રણ - ત્રણ નિરીક્ષકો મૂકયા છે. ર૬ ઉમેદવારો પસંદ કરવા માટે ૭૮ નિરીક્ષકો દ્વારા આજથી અપેક્ષિત કાર્યકરોની સેન્સના પોટલા બાંધવાનું શરૂ થયુ છે. ત્રણ દિવસમાં તમામ મતક્ષેત્રોમાં સેન્સ લેવાઇ જશે. ત્યારબાદ તા. ૧૭ થી ૧૯ વચ્ચે જે તે ક્ષેત્રના નિરીક્ષકોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ બોલાવાશે. નિરીક્ષકો ત્યાં અહેવાલ રજુ કરશે ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એક એક નામ અથવા પેનલ પસંદ કરીને કેન્દ્રીય નેતાગીરીને મોકલશે.

ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં નરહરિ અમીન, બાબુભાઇ જેબલીયા, જયાબેન ઠક્કર (રાજકોટ), નીતિન ભારદ્વાજ, સૌરભ પટેલ, જશુબેન કોરાટ (સુરેન્દ્રનગર), શંભુનાથ ટુંડીયા, રમેશ મુંગરા, આદ્યાશકિતબેન મજમુદાર (પોરબંદર), ચીમનભાઇ સાપરીયા, રમેશ રૂપાપરા, અમીબેન પરીખ (જૂનાગઢ), આર. સી. ફળદુ, જયંતીભાઇ કવાડિયા, નીમુબેન બાંભણીયા (અમરેલી), મુળુભાઇ બેરા, મહેશ કરાવાલા, ભાનુબેન બાબરીયા (ભાવનગર) ને નિરીક્ષક તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

માત્ર સેન્સના આધારે જ ટીકીટનો નિર્ણય થતો નથી. છતાં સેન્સમાં પોતાનું પલ્લુ ભારે બતાવવા દાવેદારોએ પ્રયાસો કર્યા છે. સેન્સના સ્થળ પર વિશેષ રાજકીય ચહલપહલ જોવા મળે છે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

(12:02 pm IST)