Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગાંધીનગરમાં પ્રાઇવેટ કંપનીની કર્મચારી મહિલાએ પૂર્વ પતિ વિરૂદ્ધ રૂ. ૧૩.પ લાખની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવીઃ દુબઇ અને લંડનના ખર્ચાને પહોંચી વળવા માટે લાખો રૂપિયા લઇને છુટાછેડા આપ્યા હતા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં રહેતી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી મહિલા પોતાના પૂર્વ પતિ સામે રૂપિયા ૧૩.પ લાખની છેતરપિંડીની ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટીમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી 30 વર્ષીય મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુબઇ અને લંડનના ખર્ચાને પહોંચી વળવા માટે તેણે આશા (નામ બદલેલું છે) પાસેથી રૂપિયા માગ્યા હતા અને બાદમાં તેને છૂટાછેડા આપી દેતાં મહિલાએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો.

2010માં વિનય અને આશાના લગ્ન થયાં હતાં અને ત્યારથી તે સાસરિયા સાથે સેક્ટર 3માં રહેવા લાગી હતી. લગ્નના બીજા જ મહિને તેઓ પૂણે શિફ્ટ થઇ ગયા હતા, ત્રણ-ચાર મહિના અહ્યાં કામ કર્યા બાદ વિનય દુબઇ જતો રહ્યો અને આશા પાછી સાસુ-સસરા પાસે આવી ગઇ હતી. 15 દિવસ બાદ વિનય ગાંધીનગર પરત આવી ગયો અને 6 મહિના પછી ફરી દુબઇ ગયો ત્યાં 8 મહિનાની નોકરી કર્યા બાદ લંડન જતો રહ્યો હતો.

2013માં સ્ટુડન્ટ વિઝા પર તે લંડન ગયો હતો. ત્યારે તેણે તેની પત્ની પાસેથી રૂપિયા માંગ્યા હતા. યુવતીએ 2-3 બેન્ક પાસેથી લોન લઇને વિનયના લંડનવાળા અકાઉન્ટમાં 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એક વર્ષ બાદ તેણે તેની પત્નીને કહ્યું કે જો તે સિંગલ હોય તો તેને જોબ મળે તેમ છે, ત્યારે વિનયના કહેવા પર આશાએ 2015માં છૂટાછેડા આપી દીધા હતા. દરમિયાન વિનય વિનંતીને પગલે આશાએ ફરી 2.5 લાખ રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

થોડા મહિના પછી વિનયે આશાને માહિતી આપી કે તેને ઓસ્ટ્રેલિયામાં સારી જોબ મળી શકે એમ છે અને કાયમી નાગરિકત્વ પણ મળી શકે તેમ છે પણ તેના માટે ત્યાંની લોકલ છોકરી સાથે લગ્ન કરવાં પડશે. આશાએ પહેલાં તો આ વાતનો ઇનકાર કરી દીધો હતો પણ પછી વિનયના મનવાવા પર આશા માની ગઇ હતી. થોડા સમય બાદ આશાના સાસુ-સસરાએ ગાંધીનગરનું ઘર વેચી માર્યું અને આશાને તેના મા-બાપ જોડે જતું રહેવા કહ્યું, આશાએ 13.5 લાખ રૂપિયા પરત આપવા કહ્યું તે તેમણે કાંઇ જવાબ ના આપ્યો અને વિનયનો સંપર્ક સાધવામાં પણ તે નિષ્ફળ રહી ત્યારે મહિલાએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં આ અંગે FIR નોંધાવી છે.

(6:00 pm IST)