Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

પ્રેમ હોય તો રોજ વેલેન્‍ટાઇન દિવસઃ પતિ પાસેથી ચોકલેટ લેવાની પત્‍નીની ધરાર ના

પત્‍નીએ કહ્યુ, બે વર્ષમાં કયારેય લેવા આવ્‍યા નથી કે મળવાની વાત પણ કરી નથી

સુરત,તા. ૧૫:  સુરતની ફેમિલી કોર્ટમાં કોર્ટ મુદતે પહોંચેલા પતિએ વેલેન્‍ટાઇન દિવસને ધ્‍યાનમાં રાખી પત્‍નીને ખુશ કરવાના પ્રયાસમાં ચોકલેટ આપી જોઇ, પરંતુ પત્‍નીએ ચોકલેટ લેવાની ધરાર ના પાડી દીધી. પત્‍નીનું કહેવું હતુ કે, બે વર્ષથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તારે મને ખુશ જ રાખવી હોય તો આપણે કોર્ટના ધક્કા ખાવાની જરૂર જ ન પડત. આપણે સાથે જ ઘરમાં પ્રેમના દિવસની ઉજવણી કરી શકયા હોત. વકીલો તેમજ પક્ષકારોએ પણ પત્‍નીને ચોકલેટ લઇ લેવા આજીજી કરી હતી. પરંતુ પત્‍ની બે વર્ષની જીવનની કડવાશ સામે ચોકલેટ પચાવી શકે તેમ ન જ હતી.

અમરોલીની કાજલના લગ્ન વડોદરાના હિતેશ (બંને નામો બદલ્‍યા છે)ની સાથે ૨૦૨૦માં થયા હતા. લગ્નના હજી માંડ ત્રપણ મહિના જ વીત્‍યા હશે કે પતિ-પત્‍ની વચ્‍ચે નાની નાની વાતોમાં ખટરાગ થવા લાગતા કાજલ પિયરમાં રહેવા આવી ગઇ હતી. બંને વચ્‍ચે સમાધાનની વાતચીત પણ થઇ હતી, પરંતુ કોઇ પરિણામ આવ્‍યુ નથી. સમાધાનના રસ્‍તાઓ ન જણાતા કાજલે વકીલ અશ્વિન જોગડિયા મારફત સુરત ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટ જ્‍યારે જ્‍યારે મુદત આપે ત્‍યારે કાજલ અને હિતેશ બંને કોર્ટમાં હાજર થતા અને એકબીજાની સાથે વાતો પણ કરતા.

આ કેસમાં જોગાનુંજોય આજે તા. ૧૪ ફેબ્રુઆરી વેલેન્‍ટાઇનના દિવસે પણ કોર્ટ મુદત આવી, હિતેશ અને કાજલ બંને કોર્ટમાં ભેગા થયા. સંબંધને સુધારવાનો અવસર માની લઇને હિતેશે કાજલને ચોકલેટ આપી. કાજલને એ સમજતા વાર ના લાગી કે એ પ્રેમ ન હતો. પરંતુ ખુશ કરવાનો પ્રયાસ હતો. કાજલે હિતેશને ચોકલેટ લેવાની ચોખ્‍ખે ચોખ્‍ખી ના પાડી દીધી. કાજલ અને હિતેશ બંનેના વકીલે કાજલને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભલે કે તો ચાલ્‍યા જ કરશે. વેલેન્‍ટાઇન દિવસ છે તો ચોકલેટ લઇને દ્વેષભાવ દૂર કરીને એક થઇ શકાય છે. લાખ સમજાવટ છતાં કાજલ કોઇ રીતે એ માનવા તૈયાર ન થઇ. કાજલે હિતેશને રોકડુ પરખાવ્‍યું કે દિલમાં પ્રેમ હોય તો રોજ વેલેન્‍ટાઇન દિવસ મનાવી શકાય. બે વર્ષમાં કયારેય પણ હિતેશ પરત લઇ જવા વિશે કોઇ વાત કરી નથી કે મળવા પણ આવ્‍યો નથી. પત્‍નીના સોંસરા શબ્‍દો સામે હિતેષ પાસે કોઇ જવાબ ન હતા. દિલની કડવાશ સામે ચોકલેટ હિતેશના હાથમાં પીગળતી રહી, સૌ સ્‍તબ્‍ધ હતા.

(2:58 pm IST)