Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આંદોલન તોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે : દિનેશ બાંભણીયા

દબાણમાં કામ કરાશે તો ગંભીર પરિણામ આવશે : એલઆરડી પરિપત્ર વિવાદમાં ત્રણ દિવસ બાદ પણ રાજય સરકારના તરફથી નિર્ણય કે સ્પષ્ટતા નહીં થતાં નારાજગી

અમદાવાદ, તા. ૧૫ : એલઆરડી પરિપત્રના વિવાદમાં ત્રણ દિવસ બાદ પણ રાજય સરકાર તરફથી કોઇ નિર્ણય કે સ્પષ્ટતા નહી કરાતાં બિન અનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજય  સરકાર અમારા આંદોલનને ખતમ કરવા માંગે છે પરંતુ અમે સરકારને સ્પષ્ટ રીતે ચેતવણી આપી દેવા માંગીએ છીએ કે, અમારું આંદોલન યથાવત્ છે અને આગામી દિવસોમાં પણ અમે આક્રમક કાર્યક્રમો આપીશું. સરકાર શાંત એવા બિન અનામત વર્ગની પરીક્ષા ના લે. સરકાર અમને સાંભળ્યા વિના કે વિશ્વાસમાં લીધા વિના કોઇ નિર્ણય ના લે, નહી તો સરકારને તેના પરિણામો ભોગવવા પડશે. બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગની બહેનોને અન્યાય કરવાનો સરકારનો પ્રયાસ થઇ રહ્યો છે. સરકાર શા માટે અમરાથી સાથે વાતચીત કરવામાં વિલંબ કરે છે તે સમજાતું નથી.

          ઇડબલ્યુએસની દિકરીઓને મહિલા અનામતનો લાભ આપવાનું સ્પષ્ટ હોવાછતાં તે જોગવાઇને વેબસાઇટ પરથી તંત્રએ હટાવી દીધુ છે. સરકાર અને તેમના અધિકારીઓ રાજકીય દબાણમાં બિન અનામત વર્ગના લોકોને અન્યાય કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક અમારી સાથે બેસીને વાતચીત કરી સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. સરકાર અમારી પર હાથ ફેરવીને અમને ઉંધા રસ્તે ગેરમાર્ગે દોરી કાયદાકીય ગૂંચમાં ફસાવવાના કારસા રચી રહી છે ત્યાર મુખ્યમંત્રીએ ન્યાયી અને તટસ્થાપૂર્વક નિર્ણય લેવો જોઇએ. ગુજરાતમાં રાજનીતિનું રાજકારણ થઇ રહ્યું છે. મુખ્યમંત્રીએ ઉતાવળે કેમ જાહેરાત કરી દીધી કે, તા.--૨૦૧૮નો પરિપત્ર રદ કરીશું, તેવી જાહેરાત કરવાની હતી, આમ, મુખ્યમંત્રીએ બધુ જાણતાં હોવાછતાં રાજકીય દબાણમાં એક વર્ગને ન્યાય આપવામાં બીજા વર્ગોને અન્યાય કરવાનું કૃત્ય કર્યું છે પરંતુ અમે તે સાંખી લઇશું નહી. અમને સાંભળ્યા વિના કોઇ નિર્ણય લેવામાં ના આવે નહી તો, સરકારને તેના માઠા પરિણામો ભોગવવા પડશે. સરકાર તરફથી માત્ર ને માત્ર આશ્વાસન મળી રહ્યા છે પરંતુ કોઇપણ રીતે સ્થિતિ સ્પષ્ટ થઇ નથી. સરકાર જો બિનઅનામત વર્ગને ન્યાય નહી આપે તો, ભાજપ સરકારને તેના પરિણામો તેની વોટબેંકમાંથી ભોગવવાના રહેશે.

(9:45 pm IST)