Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં ત્રણ કલાક પહેલા પહોંચવું પડશે

આમંત્રણ વિના મોટેરામાં કોઇને પ્રવેશ નહીં મળે : ૭૦૦ કરોડના ખર્ચે નવા તૈયાર કરાયેલા મોટેરા સ્ટેડિયમ અને તેની ફરતે સલામતી : પાણીની બોટલ ઉપર પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૫ : ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ ડીસીપી વિજય પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ આઇપીએસ, ૨૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ અને ૧૦૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોને લઇ સુરક્ષા વ્યવસ્થામાં ખડકાશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તમામ મહાનુભાવોની ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી નોંધનીય વાત છે કે, મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે.

         સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને કોઇને પણ જવા દેવામાં આવશે નહી. ઉપરાંત, મહાનુભાવો અને આમંત્રિતોના આગમનને લઇ મોટેરા સ્ટેડિયમ પાસે દોઢથી બે કિલોમીટર વિસ્તારમાં ૨૮ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે, જેથી વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે થઇ શકે અને ટ્રાફિકનો કોઇ પ્રશ્ન ના સર્જાય. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. મોદી સાથેના તેમના એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે એએસજીની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે. લોકો અંદર પ્રવેશવા માટે ૧૨૦ જેટલા ડીએફએમડી કેમેરાથી લોકોને સ્કેન કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે. ડીએફએમડી કેમેરાથી ૧૦,૦૦૦ લોકોને સ્કેન કરી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે.

      ઉપરાંત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં એલ એન્ડ ટીની જે પણ કામગીરી ચાલે છે તેની કામગીરી બે દિવસ પહેલા બંધ કરી ખાલી કરાવી દેવામાં આવશે. ૨૦૦થી ૩૦૦ ટેક્નિકલ લોકો એલ એન્ડ ટીનો સ્ટાફ હાજર રહેશે. જેનું વેરિફિકેશન કરવામાં આવશે. તેઓને પણ વેરિફિકેશન બાદ પાસ આપવામાં આવશે. આમ, પોલીસે સુરક્ષાને લઇ તમામ પ્રકારે ફુલપ્રુફ આયોજન કર્યું છે.

સુરક્ષા વ્યવસ્થા મજબૂત

અમદાવાદ,તા.૧૫ : ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ ડીસીપી વિજય પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા નીચે મુજબ રહેશે.

આઈપીએસ તૈનાત

૨૫

પીઆઈની તૈનાતી

૨૦૦

પીએસઆઈની ગોઠવણી

૮૦૦

પોલીસ કર્મીઓ

૧૦૦૦૦

ટેકનિકલ લોકો

૨૦૦-૩૦૦

ડીએફએમડી કેમેરા

૧૨૦

(8:34 pm IST)