Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હશે

સૌથી મોટા રોડ શોમાં ૫૫ ગાડીનો કાફલો રહેશે : રોડ શોના માર્ગ પર વિવિધ આકર્ષણ : ભારતીય-ગુજરાતી સંસ્કૃતિ, અમદાવાદની મહત્વતાથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાકેફ કરાવાશે

અમદાવાદ,તા. ૧૫ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની વિશેષ મુલાકાતે આવનાર છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ટ્રમ્પ અને મોદીના રોડ શોને લઇ સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરી રાખી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના ટ્રમ્પના રોડ શોમાં વડાપ્રધાન મોદી પણ સતત સાથે ને સાથે રહેશે. મોદી રૂટના સમગ્ર માર્ગમાં વચ્ચે વચ્ચે રોડ શોમાં ઉભા કરાનારા આકર્ષણો, ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ તેમ અમદાવાદ શહેરની ઓળખ અને તેની મહત્વતા સહિતના પાસાઓની સતત સમજ અને જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિને પૂરા પાડતા રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો અત્યારસુધીનો સૌથી મોટો રોડ શો બની રહેશે. વિશાળ અને ભવ્ય રોડ  શોમાં મોદી-ટ્રમ્પની ૪૦ ગાડીઓ સાથે કુલ ૫૫ ગાડીઓનો કાફલો હશે.

         જેમાં મોદી-ટ્રમ્પના ૪૦ ગાડીઓના કાફલા સાથે ગુજરાત પોલીસની ૧૫ ગાડીઓ રહેશે. રોડ શો અડધો કલાક સુધી ચાલે તેવું આયોજન કરાયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મોદી શહેરના ગાંધી આશ્રમમાં ૩૦ મિનિટ રોકાણ કરશે અને રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના મોદી-ટ્રમ્પના રોડ શો માટે શહેરની વિવિધ એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને ભાજપના કાર્યકરોને ઊભા રાખવામાં આવશે. તો, રોડ શો દરમિયાન ગુજરાતના વિવિધ કલચરલ ગ્રુપની સાથે દેશના કેટલાક રાજ્યોના કલચરલ ગ્રુપના ૩૦થી ૩૫ સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જ્યાં અલગ અલગ કલાકારો પરફોર્મ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાના ત્રણ કલાકથી તે જાય ત્યાં સુધી એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટ બંધ રખાશે. કેટલીક ફ્લાઈટ કેન્સલ કરાશે. જ્યારે કેટલીક રિશિડ્યૂલ કરવાનો નિર્ણય કરાયો છે.

          આ અંગે પહેલેથી એરલાઈન્સને જાણ કરી દેવાશે. ટ્રમ્પની પર્સનલ સુરક્ષા સ્થાનિક પોલીસ નહીં પરંતુ તેમના યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટ સંભાળશે. સિક્રેટ સર્વિસે પોતાનો અલાયદો કંટ્રોલ રૂ ઊભો કર્યો છે. તે રીતે એસપીજી અને લોકલ પોલીસે પણ સ્ટેડિયમમાં કંટ્રોલ રૂ ઊભા કર્યા છે. રોડ શો પછી કોટેશ્વર મંદિર તરફના રોડથી મેગીબા સર્કલ થઈ સ્ટેડિયમની પાછળના ભાગેથી ટ્રમ્પ પ્રવેશ કરશે. તેમના માટે સ્ટેડિયમના પાછળના ભાગે ખાસ સજાવટ પણ કરી દેવામાં આવી છે. ત્યાં હેલિપેડ અને ૭૨ કારનું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે. બીજીબાજુ, ટ્રમ્પ-મોદીના રોડ શોને લઇ પોલીસે ખાસ પ્રકારનું વ્હીકલ તૈયાર કર્યું છે. જેમાં રૂ પર લાગેલા ખાનગી અને સરકારી સીસીટીવીની ફીડ તે વ્હીકલમાં એક્સેસ રહેશે. વ્હીકલમાંથી સીસીટીવીના આધારે સમગ્ર રૂટનું મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત રૂ પર દર ૫૦૦ મીટરના અંતરે પોલીસ જવાન તૈનાત રાખવામાં આવશે. સમગ્ર રૂ પર મુવીંગ કેમેરા અને વધારાના સીસીટીવી પણ મૂકવામાં આવશે.

          બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડથી આખેઆખો રૂટ રોડ શો પહેલા સ્કેન કરવામાં આવશે. ઉપરાંત આ રૂટ પર સ્નાઈપરને પણ તહેનાત કરવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને અહીં બે હેલિકોપ્ટર પણ તહેનાત કરાશે. ટ્રમ્પ બાય રોડ જ મોટેરા સ્ટેડિયમ ખાતે જશે પરંતુ ઈમરજન્સીના સંજોગોમાં એર લિફટ કરી શકાય તે માટે બે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવશે.

(8:34 pm IST)