Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વડોદરા નજીક નેશનલ હાઇવે પર હાઈ સ્પીડ બાઇકે 16 વર્ષીય કિશોરને હડફેટે લેતા અપંગ માતાપિતાનો ટેકો છીનવાયો ગયો:કમકમાટીભર્યા મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી

વડોદરા: નજીક આવેલા દશરથ ગામ પાસે નેશનલ હાઇ વે પર આજે બપોરે એક હાઇ સ્પીડ બાઇકની ટક્કરે ૧૬ વર્ષના કિશોરનું કરૃણ મોત થયુ હતું. બાજવા ગામનો કિશોર દશરથ ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો અને રીસેસમાં નાસ્તો કરવા ગયો હતો. ત્યાથી પરત ફરતી વખતે હાઇ વે પર તેને મોત આંબી ગયુ હતું.બાજવા ખાતે વડનગરમાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા બાબુભાઇ પઢીયાર અને તેમના પત્ની બન્ને અપંગ છે. બાબુભાઇ ઘર નજીક લોટની ઘંટીમાં કામ કરે છે. તેમની એક પુત્રીના લગ્ન થઇ ગયા છે અને એક પુત્રી અભ્યાસ કરી રહી છે જ્યારે સૌથી નાનો પુત્ર અશોક (ઉ.૧૬) દશરથ ખાતે આવેલ આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી ધો.૧૦ પછી અશોકને આઇટીઆઇમાં દાખલ કરવામાં આવ્યો હતો કે જેથી ટેકનિકલ કોર્સ કરીને નોકરીએ લાગી જાય તો પરીવારને આર્થિક સહારો મળે.અશોક નિયત સમય પ્રમાણે આજે બાજવાથી દશરથ ખાતે નેશનલ હાઇ વેની બાજુમાં આવેલ આઇટીઆઇમાં અભ્યાસ માટે ગયો હતો. દરમિયાન બપોરે ૧૨ વાગ્યાના અરસામાં રીસેસ પડતા અશોક અને તેના સાથી વિદ્યાર્થીઓ નાસ્તો કરવા માટે હાઇ વેની બીજ તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અન્ય વિદ્યાર્થીઓ હાઇ વે ઓળંગી ગયા હતા અને અશોક ક્રોસ કરી રહ્યો હતો તે  સમયે જ તિવ્ર ગતીથી આવેલી એક સ્પોર્ટસ બાઇક (યામાહા આર-વન)એ તેને અડફેટમાં લીધો હતો. બાઇક હાઇ સ્પીડમાં હોવાથી અશોકને લગભગ ૬૦ થી ૭૦ ફૂટ ઢસડી ગઇ હતી અને પછી ડિવાઇડર સાથે અથડાઇ હતી. અશોકનુ માથુ પણ ડિવાઇડર સાથે અથડાતા ફાટી ગયુ હતુ અને બન્ને પગ બેન્ડ વળી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોને પણ ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(5:56 pm IST)