Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એસસી સહિતના વર્ગ દ્વારા મહેસાણા ખાતે બંધ પળાયું

પરિપત્રના વિરોધમાં બંધને ઘણી જગ્યાએ પ્રતિસાદ : નાણામંત્રી નીતિન પટેલની બંધ ઓફિસ પાસે હાય હાયના નારા : વર્ષ ૨૦૧૮નો ઠરાવ રદ નહી કરાતાં બંધ પળાયો

અમદાવાદ, તા.૧૫ : એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા એલઆરડી ભરતીમાં અન્યાયકર્તા ૨૦૧૮નો ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં આજે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ હતી.

          મહેસાણા બંધના એલાનને પગલે મહેસાણા શહેરમાં ડિવિઝનના બે પીએસઆઇ અને ૨૦ પોલીસકર્મી, બી ડિવિઝન ત્રણ પીએસઆઇ અને ૨૦ પોલીસ કર્મી તેમજ તાલુકા પોલીસ સ્ટેશનથી એક પીએસઆઇ અને ૧૦ પોલીસ કર્મી મળીને શહેરમાં પાંચ પીએસઆઇ સહિત ૫૦થી વધુ પોલીસ કર્મીનો બંદોબસ્ત તૈનાત કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગોની દીકરીઓને અન્યાયકર્તા તા.--૧૮ના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

         રાજ્ય સરકાર કહે છે કે, ગેરબંધારણીય ઠરાવમાં સુધારો કરશે દીકરીઓને ન્યાય સરકાર આપશે. તો, હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી હતી કે, આવનારા ૨૪ કલાકની અંદર રાજ્ય સરકાર નવો જી.આર. રજૂ કરશે. પરંતુ રાજ્ય સરકારની બેવડી નીતિ અને પછાત વર્ગને અન્યાય કરવાની નીતિના પરિણામના પગલે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં નવો જી.આર સરકાર રજુ કરી શકી નથી. જેના કારણે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજના સમાજ દ્વારા આજે શનિવારે મહેસાણા બંધનુ એલાન અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓ ૬૭ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે અને સરકારના કોઈપણ પ્રતિનિધિએ તેમને સાંભળવાની દરકાર સુધ્ધાં લીધી નથી, આજે પણ ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને બેઠકોના દોર ચાલ્યા હતા.

(9:43 pm IST)