Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

રૂપાણી સરકાર યુવા પેઢીના ભાવિની ચિંતા કરી રોજગારીની તક આપે છે : નરહરિ અમીન

મેગા રોજગાર કેમ્પ પ્રારંભ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યક્ષનું ઉદ્બોધન

આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગર ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીન, કલેકટર આર.જી.ગોહિલ, સાંસદ મિતેષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૫ : રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારે યુવા પેઢીના ભાવિ ઘડતરની ચિંતા કરીને ગુજરાતના ઉદ્યોગોને અનુરૂપ માનવ સંશાધન તૈયાર કરવા સાથે યુવાધનને તક આપવાની આગવી પહેલ કરી છે. કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ રોજગારીની તકો મળે તે હેતુથી સમગ્ર રાજયના વિવિધ સ્થળોએ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં  આવ્યા છે.

શ્રી અમીને વલ્લભવિદ્યાનગરમાં રાજયના શિક્ષણ વિભાગ, સોજિત્રાની ભાઇકાકા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અમદાવાદની નોલેજ કોન્સેર્ટીયમ ઓફ ગુજરાત, સંયુકત ઉપક્રમે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ૬૦૦૦ હજારથી વધુ રોજગારીની તકો માટે પ્લેસમેન્ટ પૂરી પાડતા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ જોબફેરનો પ્રારંભ કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેનિય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ સરકારી અને અનુદાનિત કોલેજના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ તરત જ રોજગારી પ્લેસમેન્ટની  તકો ઉપલબ્ધ થશે. મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૧૯૧થી વધુ કંપનીઓએ  ભાગ લઇ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ માટે વિવિધ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી જે બે દિવસ ચાલશે.

શ્રી અમીનએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્વમાં ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ મૂડી રોકાણ થઇ રહ્યું છે.તેમજ ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં પણ ગુજરાત રાજયનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે.

જિલ્લા કલેકટરશ્રી આર.જી. ગોહિલ એ સરકાર મેગા જોબ ફેરના આયોજન દ્વારા દરેક શિક્ષીત યુવાનને રોજગારી મળી રહે તે દિશામાં પ્રયત્નશીલ હોવાનુ જણાવી સરકાર માતા પિતા ની જેમ જ બાળકનું ઘડતર કરી રહી હોવાનું ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીન , સાસંદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી આર.જી.ગોહિલના શુભહસ્તે મધ્ય ગુજરાત ઝોનની મેગા પ્લેસમેન્ટ ફેરની માહિતી અંગેની પુસ્તિકાનું વિમોચન તેમજ મહત્ત્।મ રોજગારી આપનાર નોકરી દાતાઓનું સન્માન કરવા સાથે યુવાનોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, મધ્યગુજરાત ઝોન-૫ના ઝોનલ અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, તેમજ સબ ઝોનલ અધિકારી શ્રી જે.વી.ભોલંદા, જિલ્લાના અગ્રણી શ્રી મહેશ પટેલ, સરકારી અનુદાનિત કોલેજના આચાર્યો, કંપનીઓના પ્રતિનિધિઓ વિગેરે હાજર રહ્યા હતા.

(3:29 pm IST)