Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરતનો ૧૧ મો પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો: શ્રી ઘનશ્યામ પ્રભુને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતો અને હરિભક્તોને એવા સામર્થ્યવાન બનાવ્યા હતા કે, તેઓ પણ જીવોનું કલ્યાણ કરી શકતા હતા.- સદ્ગુરુ શાસ્ત્રી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી

    મણિનગર  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર –સરથાણા, સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરત મુકામે  આજે ૧૧ મો પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો.

       સવારે ધ્વજારોહણ કાર્યક્રમથી પાટોત્સવવિધિનો શુભારંભ થયો.ત્યારબાદ ષોડશોપચારથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપ્રભુનું પૂજન કરવામાં આવ્યું. સૌ ભાવિક ભક્તોએ આરતીના  લહાવા લીધા હતા. આ પ્રસંગે પારાયણ અમૃતપાન કરાવતા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી  જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રભુને રાજી કરવા પૂર્વેના અનેક ભક્તોએ માન મૂકીને, સંસાર ગૌણ કરીને પ્રભુને રાજી કર્યા હતા. પોતાનું મનગમતું મૂકીને પ્રભુની આજ્ઞા  પ્રમાણે વર્તવાથી આલોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક જીવોના કલ્યાણ કર્યા હતા. સાથે સાથે સંતો અને હરિભક્તોને પણ એવા સામર્થ્યવાન બનાવ્યા હતા કે તેમના આશીર્વાદથી પણ જીવોનું કલ્યાણ થતું હતું.  આવા પરમ કૃપાળુ પ્રભુનું આપણને શરણું મળ્યું છે. આપણે સૌએ પણ સદાચાર, નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગે ચાલીને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ.

      આજે સંતો-ભક્તોએ ભગવાનને ભક્તિભાવથી  અન્નકૂટ ધરાવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ગામ અને શહેરોથી સંતો તેમજ હરિભક્તો પધાર્યા હતા.

(11:27 am IST)