Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અર્જુન મોઢવાડિયાએ ટિવટ કરીને પ્રદેશના જ શકિતશાળી નેતા પર નિશાન તાકયું

કોંગ્રેસમાં જ ચાલી રહેલી સત્તાની આંતરિક સાઠમારીની ચર્ચા ફરી એક વાર સપાટી પર આવી છે

અમદાવાદ, તા.૧૫: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના એક ટ્વિટથી કોંગ્રેસમાં જ ચાલી રહેલી સત્તાની આંતરિક સાઠમારીની ચર્ચા ફરી એક વાર સપાટી પર આવી છે. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા જેવી મહત્ત્વના પદ પર રહી ચૂકેલાં મોઢવાડિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, 'આપણામાંના કેટલાક 'જ્ઞાની' નેતાઓ દિલ્હીમાં રહે છે, રાજય, જિલ્લા કે ગામડાઓમાં તેમનું કોઈ મૂળ(વજુદ) નથી, કાર્યકરોને તેમણે ભગવાન ભરોસે છોડી દીધા છે, પ્રદેશના જ સિનિયર નેતાઓને તેઓ ભાગ્યે જ મળે છે અને દરેક પરાજય પછી ઉંચા પદ પર બેસીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને મીડિયા થકી સલાહ આપે છે!..પાર્ટીએ તેમને થોડા મહિનાઓ સુધી એક કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પાડવી જોઈએ' મોઢવાડિયાએ ટ્વિટ કરીને ગુજરાતના કયા શકિતશાળી નેતા ઉપર નિશાન તાકયું છે? તેની કોંગ્રેસના વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. અલબત્ત, કોંગ્રેસના પ્રદેશના નેતાઓ આ અંગે મગનું નામ મરી પાડતાં નથી.

ગુજરાત વિધાનસભામાં ૨૦૦૨માં સૌ પ્રથમવાર પોરબંદરની બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનેલાં મોઢવાડિયા બે વર્ષના ટૂંકાગાળામાં જ પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના નિધનથી વિરોધપક્ષના નેતાનું મહત્ત્વનું પદ મેળવવામાં સફળ રહ્યા હતા. ભાજપ સરકાર સામે આક્રમક વલણ માટે જાણીતા મોઢવાડિયા પ્રદેશ પ્રમુખની પણ જવાબદારી સંભાળી ચૂકયા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમને પ્રદેશ કે અન્ય જવાબદારી સોંપવામાં આવી નથી, બલકે હાંસિયામાં ધકેલાઈ ગયા છે ત્યારે તેમણે આ ટ્વિટ કરીને તેમના જ પ્રતિસ્પર્ધી અને હાલમાં જ દિલ્હીમાં જવાબદારી સોંપવામાં આવી છે તેવા પ્રદેશના જ નેતા સામે આંગળી ચિંધી હોવાનું મનાય રહ્યું છે.

જોકે, કોંગ્રેસના એક સિનિયર નેતાએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, આગામી મહિનાઓમાં ગુજરાતની રાજયસભાની બે બેઠકની ચૂંટણી યોજાવાની હોવાથી મોઢવાડિયા અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધી રહ્યા હોય તેવું જણાય છે.

 મોઢવાડિયાના આ ટ્વિટને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર આંતરિક ખેંચતાણ ફરી એક વાર ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષથી સત્તાથી દૂર છે, તેની પાછળના મુખ્ય કારણોમાં નેતાઓની વ્હાલાં-દવલાં અને મારા-તારાની નીતિ જવાબદાર છે. કોંગ્રેસમાં સંગઠનથી માંડીને લોકો સાથે સીધો સંપર્ક સ્થાપવાને બદલે નેતાઓ માત્ર નિવેદનો કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે.

(11:19 am IST)