Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

'ઇ-શકિત' પ્રોજેકટમાં મહેસાણા જિલ્લાનો ડંકો, વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજ્ય કક્ષાનો એવોર્ડ

આસજોલ ગામના કુંતામાથા સ્વસહાય જુથની શ્રેષ્ઠ કામગીરી : ડી.ડી.ઓ. મનોજ દક્ષિણી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ દવે માટે ગૌરવવંતી ઘડી

રાજકોટ તા. ૧૫ : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામમાં કુંતામાતા સ્વસહાય જુથ કાર્યરત છે. ગાંધીનગર ખાતે યોજાયેલ સ્ટેટ ક્રેડીટ સેમીનારમાં આ જુથને બેસ્ટ સ્વસહાય જુથનો એવોર્ડ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આપવામાં આવ્યો હતો. નાબાર્ડ પુરસ્કૃત ઇ-શકિત પ્રોજેકટમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ યોજનામાં થયેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ આસજોલ ગામમાં કાર્યરત કુંતામાતા સ્વસહાય જુથને બેસ્ટ સ્વસહાય જુથનો રાજ્ય કક્ષાનો એવોર્ડ મળતા લીડર ગીતાબેન પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ), પ્રાદેશિક કચેરી અમદાવાદ સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે એક દિવસીય સ્ટેટ ક્રેડીટ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જયદથસિંહ પરમાર, નાબાર્ડના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડી.ડી.ઓ. શ્રી મનોજ દક્ષિણી અને નિયામક શ્રી મેહુલ દવેએ એવોર્ડ અંગે ગૌરવની લાગણી વ્યકત કરી યશભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(11:56 am IST)