Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવા ઇચ્છુક : ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે

અનામત મુદ્દે કોંગ્રેસના ભાજપ-સંઘ પર પ્રહારો : ભાજપની માનસિકતા, સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં કોંગ્રેસ દેશમાં રાજ્યવ્યાપી, જિલ્લા વ્યાપી આંદોલન છેડશે

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી અનામતના મુદ્દે આંદોલની ભડેકલી આગને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે આજે ભાજપ અને સંઘ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ આગામી દિવસોમાં દેશભરમાં ઉગ્ર આંદોલન કરશે. ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબૂદ કરવાના હીન પ્રયાસો કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસ મામલે જોરદાર લડત આપી ભાજપની મનશાને પાર પડવા દેશે નહી.

          અમદાવાદની ટૂંકી મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા એક ચુકાદા પરત્વે નારાજગી દર્શાવી હતી અને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપની અપીલના પગલે કોર્ટે ચુકાદો આપ્યો છે. દેશમાં ભાજપની માનસિકતા અનામત વિરોધી છે. ભાજપ એસસી, એસટી અને ઓબીસીની અનામત ખતમ કરી નાંખવા માંગે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવ્યો છે તેને કોંગ્રેસ પાર્ટી બંધારણ વિરુદ્ધનો હુમલો ગણે છે. અમે ભાજપ વિરૂધ્ધ સમગ્ર દેશમાં મોરચો ખોલીશું. ભાજપની વિચારધારા જળ-જંગલ જમીન વિરોધી છે. દલિતો વિરૂધ્ધ અત્યાચાર કરે છે તે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે. ઉતરાખંડની ભારતીય જનતા પાર્ટી સરકારે બે દલીલો સુપ્રીમ કોર્ટમાં કરી હતી કે, સરકારી નોકરીમાં એસસી, એસટીને સરકારી નોકરીમાં હક્ક નથી. રાજ્ય સરકાર બંને વર્ગને અનામત આપવા નથી માંગતી તે દલીલ પરથી સ્પષ્ટ થાય છે. રાજીવ સાતવે આક્ષેપ કર્યો કે, વર્ષ ૨૦૧૪માં ભાજપની સરકાર બન્યા બાદ તેમણે એસસી, એસટીના હક્કો પર તરાપ મારી રહી છે.

         આદિવાસી અને દલિતોને જે નાણાંકીય સહાયતા મળવી જોઈએ તેમાં વિક્ષેપ થયો છે. સંઘ-ભાજપની વિચારધારા અનામત વિરોધી છે. આશરે ૪૩,૦૦૦ ઘટનાઓ દલિત અત્યાચારની નોંધાઇ છે, જે ગંભીર કહી શકાય. ઉત્તર પ્રદેશના એક તૃતિયાંશ ભાગ સાથે દેશમાં ગત વર્ષે દલિતો પર અત્યાચારની ૪૩,૦૦૦ની ઘટના બની છે. ભાજપની સરકાર બની ત્યારથી દલિતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા  છે. રાજીવ સાતવે સ્પષ્ટ કર્યું કે. કોંગ્રેસ ભાજપની માનસિકતા વિરૂધ્ધ તેમ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સમગ્ર દેશમાં રાજ્ય વ્યાપી, જિલ્લા વ્યાપી આંદોલન કરશે. અમારા નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે કોંગ્રેસ લડાઈને લડશે અને ખૂબ મજબૂતીથી સંઘર્ષપૂર્ણ લડત આપશે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

(8:43 am IST)