Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વડગામના માલોસણા ગામે વરરાજાની જાન જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા: કન્યા ભાવવિભોર બની

ભવ્ય સાંસ્કૃતિક વારસો જાળવવા શિક્ષિત યુવકે બળદ ગાડામાં જાન જોડી અનોખી પહેલ કરી

બનાસકાંઠાના વડગામ તાલુકાના માલોસણા ગામે બળદગાડામાં જાન જોડીને લગ્ન કરવા જઈ રહેલા યુવાનને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માલોસણા ગામેથી બે કિલોમીટર દૂર મંદિર સુધી આ યુવકે બળદગાડામાં બેસી જોડેલી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી .

   આજે લોકો ફક્ત દેખાદેખીમાં લગ્ન પાછળ લાખો રૂપિયાનું આંધણ કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના માલોસણા ગામે ભવ્ય સાંસ્કૃતિક વારસો જાળવવા શિક્ષિત યુવકે બળદ ગાડામાં જાન જોડી અનોખી પહેલ કરી હતી. ચૌધરી સમાજના લોકો માટે બળદગાડું એ સર્વસ્વ ગણાતું. જૂના જમાનામાં ખેતી કરતા ચૌધરી સમાજના લોકો બળદ અને ગાડા પર નિર્ભર હતા. જોકે સમયાંતરે ગાડાનું સ્થાન મોંઘી ગાડીઓ અને ડીજે સાઉન્ડે લઈ લીધું છે. ત્યારે માલોસણા ગામેથી બે કિલોમીટર દૂર મંદિર સુધી આ યુવકે બળદગાડામાં બેસી જોડેલી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી .

   વરરાજા બળદગાડામાં જાન લઇને આવવાના છે તેની ખુદ કન્યાને પણ ખબર નહોતી. ત્યારે બળદગાડામાં આવેલા પોતાના દુલ્હાને જોઈ કન્યા પણ ભાવવિભોર બની ગઈ હતી..પોતાની સંસ્કૃતિ અને વારસો યાદ અપાવ્યો તે દુલ્હન માટે ગૌરવની લાગણી હતી. આજના આધુનિક જમાનામાં મોંઘીદાટ ગાડીઓ, ઘોડા અને ડીજેની જગ્યાએ બળદગાડામાં જાન જતી હોય ત્યારે માલોસણા ગામના યુવકે સાબિત કર્યું કે બળદગાડું એજ પોતાના વડવાઓ માટે સર્વસ્વ હતું. બીજા લોકો પણ આ વાતને અનુસરે જેથી સમાજમાં ખોટા ખર્ચ પણ ન થાય અને ભવ્ય સાંસ્કૃતિ વારસો પણ જળવાઇ રહે.

(9:56 pm IST)