Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કુલ ૭૪ નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

ભાજપે જાફરાબાદ નપા બિનહરીફ થતાં કબજે કરી : ૧૭મીએ મતદાન થશે : ૨૮ સીટ બિનહરીફ રહેતા હવે ૫૨૯ વોર્ડની બે હજારથી વધારે બેઠકોની ચૂંટણી યોજાશે

અમદાવાદ,તા. ૧૫ : રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે આજે સાંજે નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. હવે નગરપાલિકાના જંગમાં ઉભા રહેલા ઉમદવારો દ્વારા મતદારોને રીઝવવા વ્યકિતગત ધોરણે અને ડોર ટુ ડોર પ્રચારના છેલ્લી ઘડીના પ્રયાસો કરાશે. ૭૫ નગરપાલિકાઓ પૈકી અમરેલીની જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ જાહેર થતાં તે ભાજપે કબ્જે કરી છે. આ સાથે જ વધુ ૨૮ બેઠકો બિનહરીફ જાહેર થઇ હોવાથી હવે ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જે માટે કુલ ૫૨૯ વોર્ડની બે હજારથી વધુ બેઠકો માટે કુલ ૬૦૩૫થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.  તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ તા.૧૯મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે.  રાજયની ૭૪ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. તો નગરપાલિકાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપાલવ્યું છે. રાજયની ૭૪ નગરપાલિકાઓ માટે યોજાનારી ચૂંટણી માટે કુલ ૬૦૩૫થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના સમર્થિત ૧૯૩૪, કોંગ્રેસ સમર્થિત ૧૭૮૪, અપક્ષ ૧૭૯૪ અને અન્ય ૫૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓના ૫૨૯ વોર્ડની કુલ બે હજારથી વધુ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. જેમાં ૫૧ બેઠકો તો પહેલેથી જ બિનહરીફ જાહેર થઇ હતી અને આજે વધુ ૨૮ બેઠકો બિનહરીફ જાહેર થવા સાથે અમરેલીની જાફરાબાદ નગરપાલિકા પણ બિનહરીફ ભાજપની તરફેણમાં બિનહરીફ જાહેર થતાં ભાજપના ફાળે અત્યારથી જ એક પાલિકા આવી ગઇ છે.

નગરપાલિકાઓની ચૂંટણી માટે આશરે ૧૯ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શકયતા છે. આ જ પ્રકારે તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. બે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૨૭૩ ઉમેદવારો મેદાનમાં છે, જયારે ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ૧૦૦૫ ઉમેદવારો મેદાનમાં છે. બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે. રાજયની ૭૫ નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇ રાજય ચૂંટણી પંચ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં પણ મતાધિકાર માટે ઇવીએમનો ઉપયોગ કરાશે. તો, મતદારો નોટાના વિકલ્પનો પણ ઉપયોગ પોતાના મતાધિકાર દરમ્યાન કરી શકશે.

(8:24 pm IST)