Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પાદરાના સાધીમાં જમીનના ખોટા સર્ટિફિકેટ બનાવી બરોબર વેચી દેનાર શખ્સની ધરપકડ

પાદરા:તાલુકાના સાધી ગામની બે અલગ-અલગ સર્વે નંબરોની જમીન જિલ્લા કોંગ્રેસના પૂર્વ અગ્રણી છાણીના પ્રવિણ પટેલે જમીન માલિકની બોગસ સહી કરી પાવર ઓફ એટર્ની બનાવી અમદાવાદના શખ્સને બારોબાર વેચી દીધી હતી. જમીન માલિકનું મૃત્યુ થયા બાદ વારસાઇ કરાવવા ગયેલા વારસદારોની તપાસમાં સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં પોલીસે પ્રવિણ પટેલની ધરપકડ કરી હતી.

ભરૃચમાં ઝાડેશ્વર-નિજામવાડીમાં રહેતા કીરીટભાઇ સોલંકીના પિતા ચંદુભાઇ તા.૧૧-૧૨-૨૦૧૦ના રોજ મૈયત થયા હતા. ચંદુભાઇએ સાધી ગામની સીમમાં આવેલી જમીન તા.૧૨-૭-૯૯ના રોજ અલગ અલગ દસ્તાવેજો કરી સાધીના ચતુરભાઇ છોટાભાઇ પટેલની પાસેથી વેચાણ રાખી હતી.

 આ અંગેની ફરીયાદ પાદરા પોલીસ મથકે કિરીટભાઇ ચંદુભાઇ સોલંકીએ નોધાવતા પોલીસે ચાર સામે ગુનો નોંધી છાણીના પ્રવીણભાઇ શંકરભાઇ પટેલની ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૪માં કીરીટ સોલંકીએ પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં એફએસએલમાં મોકલેલ સહી બોગસ બહાર આવતા પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી.

(6:01 pm IST)