Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પાટણઃ દલિત ભાનુપ્રસાદનો આત્મવિલોપનનો પ્રયાસઃ ગંભીર

તંત્રને ચીમકી આપ્યા બાદ કેરોસીન છાંટીને દિવાસળીથી આગ ચાંપી દીધીઃ પોલીસ ટીમ, ફાયર ફાઇટરો હાજર હોવા છતાં ગંભીર રીતે દાઝી જતા મહેસાણા સારવારમાં: તંત્ર સામે ભભુકતો રોષ

પાટણ, તા,., ૧૬: પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામના નિવૃત તલાટી મંત્રી અને સામાજીક કાર્યકર ભાનુપ્રસાદ વણકરે પાટણ કલેકટર કચેરી ખાતે કેરોસીન છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે મહેસાણા હોસ્પીટલે ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામના સામાજીક કાર્યકર અને નિવૃત તલાટી મંત્રી ભાનુપ્રસાદ વણકરે તા.૧પ ફેબ્રુઆરી સુધીમાં જમીનનો પ્રશ્ન ન ઉકેલાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આ ચીમકીના અનુસંધાને આજે દલીત યુવક તેના પરીવાર સાથે પાટણ કલેકટર કચેરીએ પહોંચી ગયો હતો.

ત્યાર બાદ આ પ્રૌઢે શરીર ઉપર કેરોસીન છાંટયું હતું અને ભડભડ સળગવા લાગતા ત્યાં હાજર ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પાટણ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતા દલીત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમના પરીવારજનોએ પણ આક્રોશ વ્યકત કર્યો હતો. રાજયમંત્રી ઇશ્વરભાઇ પરમારે આ બનાવ અંગે તપાસના આદેશો આપ્યા છે.

દલીત વ્યકિતએ આત્મવિલોપનની ચીમકી આપેલ હોવાથી પોલીસના ધાડેધાડા કલેકટર કચેરીએ ઉતારી દેવામાં આવ્યા હતા તેમ છતા પણ આ દલીતે કેરોસીન છાંટી લઇને સળગી જતા તંત્ર સામે રોષ વ્યકત કરવામાં આવી રહયો છે.

(5:26 pm IST)