Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આ લે લે... ઓફિસમાં રજા ન મળી અને સાળાના લગ્‍નમાં જઇ ન શક્યોઃ સાસરિયાઓઅે ઢીબી નાખ્યોઃ મામલો ચાંદખેડા પોલીસમાં પહોંચ્‍યો

અમદાવાદઃ બોટાદમાં કામ કરતા એક શખ્સ ઓફિસમાં રજા ન મળવાના કારણે તેના સાળાના લગ્‍નમાં જઇ શક્યો ન હતો. જેથી ગુસ્સે ભરાયેલ સાસરિયાઓઅે આ શખ્‍સને ઢીબી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ થઇ છે.

પિનાકિન સોલંકી નામના આ જમાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કથિત રીતે સસરા પક્ષે થયેલા લગ્નમાં ન પહોંચી શકતા તેની ધોલાઇ થઇ હતી.

5 ફેબ્રુઆરીએ પિનાકિન સોલંકીના સાળા નીલેશના લગ્ન હતાં અને આ દિવસે જ તેમની ઑફિસમાં પ્રી-પ્રમોશન ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને પગલે પિનાકિન ભાઇ સોલંકી લગ્નમાં હાજર રહી શક્યા ન હતા. જેને કારણે પિનાકિનની તેના સાસરિયા પક્ષ દ્વારા ધોલાઇ થઇ હતી.

10મી ફેબ્રુઆરીએ તેઓ પત્નીને તેડવા માટે પોતાના મમ્મી શારદાબેન સાથે સાસરે ગયા હતા. તેમના સાસરીયા ચાંદખેડા સ્થિત ઉત્સવ રેસિડેન્સીમાં રહે છે. પિનાકિન ભાઇને જોતાની સાથે જ સાસરા પક્ષે તેમને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ.

પોલીસે જણાવ્યા મુજબ પિનાકિન ભાઇના પત્ની, સસરા, સાળા અને સાળીઓએ પિનાકિનભાઇ અને શારદાબેનને માર માર્યો હતો. ગંભીર ઇજા પહોંચતા પિનાકિન સોલંકીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા અને તેમની મમ્મીને ફર્સ્ટ એડની જરૂરત પડી હતી.

ચાંદખેડાના પોલીસ ઇન્સપેક્ટર અંકુર પટેલે જણાવ્યું કે, ‘અમે પિનાકિનની પત્ની અને સસરાપક્ષના સભ્યો વિરુદ્ધ મારપીટ તથા અભદ્ર ભાષાના પ્રયોગને લઇ ફરિયાદ નોંધી છે.’ પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)