Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

અમદાવાદમાં ચીકીનું ગયા વર્ષે કરતાં સૌથી વધુ 700 કિલો જેટલું વેચાણ થયું

લોકોમાં કેટબરી ચીકી અને માવા ચીકી સૌથી વધુ માંગ

અમદાવાદ : શિયાળાના પ્રારંભ સાથે જ જિલ્લામાં ઠેર ઠેર તલ પીલવાની ઘાણીઓથી માંડી વિવિધ જાતના વસાણાપાક અને કચરીયા વેચાણની દુકાનો ખૂલી છે. પરંતુ આ વર્ષે તલ અને સૂકામેવા સહિતની વસ્તુઓના ભાવ વધતા ગત વર્ષની તુલનામાં વિવિધ વસાણા ઉપર 10 થી 12 ટકાનો ભાવ વધારો થવા પામ્યો છે. જેને કારણે આ વર્ષે ઉત્તરાયણમોંઘી બની છે.

શિયાળો આરોગ્ય વર્ધક ઋતુ ગણાય છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય વર્ધક ખોરાકથી આરોગ્ય અને શક્તિ સંચય કરાતી હોય છે. શિયાળામાં ઈમ્યુનિટી વધારવા સૂકામેવાના સેવનથી માંડી વિવિધ જાતના વસાણા પાકની માંગ વધતી જાય છે. ત્યારે અમદાવાદમાં જુદાજુદા જાતના કચરીયા અને સલામપાક, બદામપાક સહિતના વસાણાની દુકાનો શરૂ કરાઈ છે. પરંતુ અમદાવાદમાં તલ પીલવાની ઘાંણી ચલાવતા અને વિવિધ જાતના કચરીયા વેચતા વેપારીમાં કભી ખુશી કભી ગમનો માહોલ છે.

વેપારીના કહેવા પ્રમાણે આ વર્ષે તલનાં ભાવ વધી ગયા છે જેને કારણે કચરિયાના ભાવમાં ફેર પડ્યો છે. ઉત્તરાયણના દિવસ કોઈ વધારે ફેર પડ્યો નથી. વાસી ઉત્તરાયણના દિવસે પણ પ્રોડક્શન ચાલુ છે. ખાસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવતા કારીગરો હજુ રોકાયા છે. આ વર્ષે ગયા વર્ષે કરતાં સૌથી વધુ 700 કિલો જેટલું વેચાણ થયું છે. આ વર્ષે લોકોએ કેટબરી ચીકી અને માવા ચીકી સૌથી વધુ પસંદ કરી છે.

કચરીયું બનાવવામાં વપરાતાં વિવિધ મસાલા, ગોળ સહિતની ચીજ વસ્તુઓના ભાવ પણ વધતા ડ્રાયફ્રુટ કચરીયું, કાળા તલનું કચરીયું જે અગાઉ 160થી 170 રૂપિયામાં વેચાતું હતું. તેના કીલોના ભાવ આ વર્ષે 200 રૂપિયા થયા છે. તલના તેલના ભાવ 320થી વધી કિલોના 360 રૂપિયા થયા છે. જયારે સુકામેવામાં બદામ, કાજુ, પિસ્તા, ટોપરૂ અને અંજીરના ભાવોમાં પણ 10 થી 15 ટકાનો વધારો થતાં વિવિધ વસાણા પાક અને કચરીયાના ભાવો ઉંચકાયા છે.

આ અંગે ગ્રાહકોનું કહેવું છે કે ભાવ વધ્યા પરંતુ સૌથી વધારે મજા ઉત્તરાયણની હોય છે ત્યારે આ વર્ષે અમે કોઈ કસર છોડી નથી. ચાલુ વર્ષે પીપરામૂળના ભાવમાં બમણો ભાવ વધારો થયો છે. ગત વર્ષે 400થી 500 રૂપિયામાં વેચાતા પીપરામૂળનો ભાવ હાલ કીલોના 800થી 900 રૂપિયા થયો છે. જયારે કીલોના 800થી 900 રૂપિયામાં વેચાતી ખસખસના ભાવ 1800 રૂપિયાએ પહોંચ્યો છે. કરિયાણા બજારોમાં સૂંઠ, ગુંદર અને ખારેક સહિત ખજૂરના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ વર્ષની શરૂઆત સારી ગઈ હોવાની વેપારીઓનું માનવું છે.

(10:42 pm IST)