Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર

ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકાઈ

અમદાવાદ :ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવેલ છે.

PSI ની Physical Test Result આવી ગયું છે જેમાં ઉતિર્ણ થયેલા ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. પીએસઆઈની કસોટીમાં 96,000થી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે. આ ઉમેદવારોની હવે પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.

શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસની 15 તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી શકે છે. જો કે હજુ ડેટ જાહેર નથી થઈ પણ જ્યારે ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ ની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી.

હવે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પાસ થયેલ ઉમેદવારો હવે પ્રિલિમ પરીક્ષા આપી શકશે.

  વેબસાઈટ પર મુકવામાં આવેલ પરીણામ અંગે જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી 21 જાન્યુઆરી 2022 સુધીમાં મોકલી શકશો.

આ માટેનું સરનામું પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર -382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. કોવીડ-19 ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ પોસ્ટ અથવા કુરિયર કરી શકાશો.

(8:50 pm IST)