Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કપડવંજ તાલુકાના સુલતાનપુર પાટિયા નજીક બે રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળેજ મોત

કપડવંજ: તાલુકાના સુલતાનપુર પાટિયા નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બે વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કપડવંજ નિરમાલી રોડ પર સુલતાનપુર પાટિયા નજીક ગુરૂવાર બપોરે રિક્ષા નીરમાલીથી મુસાફરો ભરીને કપડવંજ તરફ આવતી હતી. જ્યારે સીએનજી રિક્ષા કપડવંજથી નીરમાલી જઈ રહી હતી ત્યારે નાની સુલતાનપુર પાટિયા નજીક બંને રિક્ષાઓ ધડાકાભેર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રિક્ષા રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં જશીબેન પુનમભાઇ પરમાર (ઉં.વ.૫૫,રહેે.જાંબુડી,તા.કપડવંજ), મંગળભાઈ રામાભાઈ ઝાલા (ઉં.વ.૬૦,રહે. ગૌચરના મુવાડા, તા.કપડવંજ) તેમજ કાંતાબેન ભુપતભાઈ સોલંકી (ઉં.વ.૪૨,રહે. લખા ભગતના મુવાડા તા. કપડવંજ)નું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જેમાં કાંતાબેન જેઓ રિક્ષામાં બેઠા હતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા જશીબેન અને મંગલભાઈનું ગંભીર ઇજા થતાં સારવાર માટે કપડવંજ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે રેવાબેન રામાભાઈ ઝાલા તેમજ મણીબેન ચૌહાણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી બંને રિક્ષા ચાલકો રિક્ષાઓ મૂકી નાસી ગયા હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ કપડવંજ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે રમણભાઈ વાઘાભાઈ સોલંકીની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે બંને રિક્ષા ચાલકો સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)