Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વલસાડના અતુલ સ્‍ટેશન પાસે મોટી ટ્રેન દુર્ઘટના અટકીઃ અજાણ્‍યા શખ્‍સોએ રેલ્‍વે ટ્રેક ઉપર સિમેન્‍ટનો પિલર મુકી દેતા અગસ્‍ત ક્રાંતિ ટ્રેન પિલર સાથે અથડાઇ

રેલ્‍વે અધિકારીઓ, સુરત રેન્‍જ આઇજી અને વલસાડ જીલ્લા પોલીસ દ્વારા તપાસ

Photo: 05

વલસાડ: વલસાડના અતુલ સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અજાણ્યા ઈસમો દ્વારા રેલ્વે ટ્રેક ઉપર સિરમેન્ટનો પિલર મૂકી દેવતા અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી હોનારત થઈ ન હતી જેથી રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ સહિત સુરત રેન્જ આઈ.જી સાથે વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.

અગસ્ત ક્રાંતિ ટ્રેનના પાછળ આવતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેક ઉપર તપાસ કર્યા બાદ ટ્રેનને 4 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી. તો રેલવે પોલીસ સહિત રેલવેના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બનવાની પુરેપુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનારને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

(5:23 pm IST)