Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજ્‍યમાં દોરીથી ૨૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્‍ત : સૌથી વધુ અમદાવાદમાં ગળા કપાયાની ઘટના

ધાબા પર નિયમોને સાઇડમાં મુકી લોકોએ પૂરા દિવસ દરમિયાન પતંગ ઉડાવવાની મજા લીધી

અમદાવાદ તા. ૧૫ : રાજયમાં ઉતરાયણનો તહેવાર લોકોએ હર્ષોલ્લાસથી મનાવ્‍યો. પરંતુ આ એક એવો તહેવાર છે જયારે લોકોએ સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર હોય છે. પરંતુ શુ લોકો આ કાળજી રાખે છે ખરા? જો કે સામે આવેલા આંકડાઓ બતાવે છે કે, રાજયમાં લોકોને પોતાના જીવનથી વધુ આ તહેવાર પસંદ છે.
ઉતરાયણનાં આ પર્વ પર રાજયમાં ગળા કાપનાં કિસ્‍સાઓ મોટી સંખ્‍યામાં નોંધાયા છે. પતંગ ચગાવવામાં લોકો એટલી હદે ભાન ભુલી ગયા કેરાજયમાં દોરીનાં કારણે ગળામાં ઈજા અને અકસ્‍માતનાં ૨૨૪ જેટલા બનાવો બન્‍યા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાં ૬૨ લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્‍ત થયા છે. વળી આ ઉપરાંત રાજકોટમાં ૨૫, વડોદરામાં ૨૬ તથા સુરતમાં ૨૪ લોકો દોરીથી ઘવાયા છે. વળી અમદાવાદનાં ચમનપુરા પાસે એક બાઇક સવારનાં ગળામાં દોરી આવી ગઇ હતી, જેના કારણે તે ઘાચલ થયો હતો. જેને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. વળી એરપોર્ટ રોડ તરફ ઈન્‍દિરા બ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં ૫૦ વર્ષીય વ્‍યક્‍તિનાં ગળામાં ઇજાગ્રસ્‍ત થઇ હતી. સુભાષબ્રીજ કેશવનગરમાં રસ્‍તા પર ચાલતા જતા ૭૬ વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. વળી ગાંધીનગરની વાત કરીએ તો અહી પણ ખ રોડ સાઇડ એક બાઇક સવાર શખ્‍સને દોરી ગળામાં આવી જતા અકસ્‍માત સર્જાયો હતો. જો કે આ અકસ્‍માતમાં તે શખ્‍સને કોઇ ખાસ ઈજા પહોંચી નહોતી અને તે દોરી બાઇક સાઇડથી હટાવી આગળ વધ્‍યો હતો.
સવારથી જ પવન સારો હોવાના કારણે પતંગ રસીયાઓને પતંગ ચગાવવાની મજા પડી ગઇ હતી. જો કે આ વખતે કોરોનાનાં કારણે સરકાર અમુક નિયમો બનાવ્‍યા હતા. જેમા ખાસ ડીજે અને વધુ સંખ્‍યામાં ભેગા ન થવાનું સામેલ છે. જો કે અમદાવાદની વાત કરીએ તો અહી ધાબા પર નિયમોને સાઇડમાં મુકી લોકોએ પૂરા દિવસ દરમિયાન પતંગ ઉડાવવાની મજા લીધી હતી.

 

(12:00 pm IST)