Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

અમદાવાદમાં એ કાપ્યો જ છે અને લપેટ લપેટની બુમો : બપોરે ઉંધીયુ ઝાપટ્યા બાદ સાંજે રેસ્ટોરન્ટની બહાર લાઈનો

રાત્રે 10 વાગ્યે રાત્રી કર્ફ્યૂ થઇ જતો હોવાનાં કારણે દુર જમવા ગયેલા લોકો પણ વિમાસણમાં મુકાયા

અમદાવાદ : આજે ઉતરાયણનું પવિત્ર પર્વ જોરશોરથી અમદાવાદીઓએ ઉજવ્યું હતું. પતંગબાજીની મોજ માણી હતી. આખો દિવસ અમદાવાદમાં એ કાપ્યો જ છે અને લપેટ લપેટની બુમો જ સાંભળવા મળી હતી. સાંજ થતા જ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો મેળ નહી પડવાનાં કારણે આતશબાજી કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ વખતે પોલીસ દ્વારા ચાઇનિઝ દોરી અને ચાઇનિઝ તુક્કલ પર કડક હાથે કાર્યવાહી કરી હતી.

જો કે આખો દિવસ પતંગ ચગાવીને થાકેલા લોકોએ રેસ્ટોરન્ટની બહાર લાઇનો લગાવી હતી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં તહેવારો ટાણે લોકો બહાર જમવાનું જ પસંદ કરતા હોય છે. તેમાં પણ ઉતરાયણના તહેવારે બપોરે ઉંધીયુ જાપટી લીધા પછી સાંજનું જમવાનું બહાર જ રાખતા હોય છે. જેના કારણે અમદાવાદમાં લારીથી માંડીને મોટી મોટી રેસ્ટોરન્ટ્સની બહાર મોટી મોટી લાઇનો જોવા મળી હતી.

અત્રે નોંધનીય છે કે, રાત્રે 10 વાગ્યે રાત્રી કર્ફ્યૂ થઇ જતો હોવાનાં કારણે દુર જમવા ગયેલા લોકો પણ વિમાસણમાં મુકાયા હતા. એક તરફ લાંબી લાઇન તો બીજી તરફ રાત્રી કર્ફ્યૂનો તોળાતો ભય. જો કે આજે તહેવાર હોવાનાં કારણે પોલીસે પણ નાગરિકો પર મીઠી નજર રાખી હતી. કોઇ કડક કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.

(12:16 am IST)