Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પાટણના બે રેસલર બંધુઓએ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું પણ ગરીબી સામે હાર્યા : ભાડાના મકાનમાં રહેવા મજબૂર

વિસનગરમાં રોડ પર નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનારા દશરથભાઈએ પોતાની જીવનમૂડી પુત્રોને રેસલર બનાવવા ખર્ચી નાખી: પરિવાર હાલ આર્થિક તંગીમાં:પોતાની રમત છોડવી પડે તેવી સ્થિતિ

પાટણના બે રેસલર બંધુઓએ રેસલિંગની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે પરંતુ બંને રેસલર ભાઈઓ ગરીબી આગળ હારી ગયા છે. રેસલિંગની દુનિયામાં પુત્રો પ્રગતિ કરી શકે તે માટે પિતાએ પોતાનું મકાન વેચી દીધું.હવે પરિવાર ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે.

પાટણના રવિ અને શનિ પ્રજાપતિ નામના બંન્ને ભાઈઓએ પંજાબ ધ ગ્રેટ ખલી એકેડમીમાં રેસલરની તાલીમ મેળવી છે.

રેસલિંગની અનેક સ્પર્ધાઓ જીતી છે. વિસનગરમાં રોડ પર નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનારા દશરથભાઈએ પોતાની જીવનમૂડી પુત્રોને રેસલર બનાવવા ખર્ચી નાખી. બંને પુત્રોનું રેસલર બનવાનું સપનું પૂર્ણ કરવા માટે પિતા દશરથભાઈએ પોતાનું મકાન પણ વેચી દીધું. પુત્રોએ પણ મહેનત કરીને રેસલિંગની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું. પરંતુ જેમની રેસલિંગની મેચ જોવા માટે હજારો લોકોની ભીડ જામે છે તે ખેલાડીઓ પાસે રહેવા પોતાનું ઘર પણ નથી. આર્થિક તંગીના કારણે હાલ આખો પરિવાર ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે.

રવિએ 2017 થી વિવિધ દેશોમાં 300થી વધારે રેસલિંગ મેચ રમી છે. જેમાં 90% મેચમાં રવિની જીત થઈ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ મેચોમાં પણ તેમણે ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાં રેસ્લિંગની મેચોનું આયોજન થતું નથી. જેના કારણે મેચ પણ રમાતી નથી. બીજી તરફ ગુજરાત સરકાર તરફથી આવા ખેલાડીઓને કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી. તેના કારણે આ પરિવાર હાલ આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો છે. જો આમ જ ચાલુ રહેશે તો તેમને પોતાની રમત છોડવી પડે તેવી સ્થિતિ છે..તેમનું સપનું તૂટતું દેખાઈ રહ્યું છે.

(12:14 am IST)