Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સુરતમાં ભગવાનના નામે છેતરપીંડી :રામ મંદિરના નામે નકલી રસીદના આધારે દાન ઉઘરાવતો શખ્શ ઝડપાયો

વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડીને પોલીસને સોપી દીધો

સુરત : અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 15 જાન્યુઆરીથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ સંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. દાનના પ્રથમ દિવસે જ રામ મંદિર માટે નકલી રસીદના આધારે દાન ભેગુ કરવાના આરોપમાં સુરતમાં એક વ્યક્તિ ઝડપાયો છે. વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડીને પોલીસને સોપી દીધો હતો.

સુરતના સરથાણા વિસ્તારમાં અમિત પાંડે નામનો વ્યક્તિ ફ્રુટની લારી ચલાવે છે અને કાપોદ્રા વિસ્તારમાં રહે છે. રામ મંદિર માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ સંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં કોઇ પણ વ્યક્તિ દાન કરી શકે છે. કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિ ટેબલ લગાવી નકલી રસીદ બનાવી દાન ઉઘરાવતો હતો. જેની જાણ વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય કમલેશ ક્યાડાને થતા તે ઘટનાસ્થળે પહોચ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદના કમલેશ ભાઇ પાસે દાન ઉઘરાવવાની જવાબદારી હતી અને હજુ સુધી નિધિ એકત્ર કરવાની શરૂઆત પણ થઇ નહતી. ઉતરાયણના રોજ મંડપ બનાવી આરોપી ફંડ ભેગુ કરતો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવ્યુ હતું. તે બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને વ્યક્તિ પાસેથી નકલી રસીદ જપ્ત કરી છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 મહત્વપૂર્ણ છે કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વીએચપી મળીને દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ભેગા કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન આશરે દોઢ મહિના સુધી ચાલશે. જેની હેઠળ દેશભરમાં આશરે 13 કરોડ પરિવારો સુધી પહોચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

આ અભિયાન હેઠળ 27 ફેબ્રુઆરી સુધી દેશમાં કરોડો લોકો સુધી પહોચવાનો પ્રયાસ કરવામાં આવશે અને દાન ભેગુ કરવામાં આવશે. લોકોને જે પૈસા મળશે તે રામ મંદિર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે. શ્રી રામ મંદિર ધન સંગ્રહ અભિયાન હેઠળ 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની પાવતી દાન આપનારા લોકોને આપવામાં આવશે. આ પાવતી પર અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરની તસવીર સાથે ભગવાન રામની છબી પણ હશે. આ અભિયાન હેઠળ પૈસા આપનારાઓને આ પાવતી રસીદ તરીકે આપવામાં આવશે. 2 હજારથી વધુનું યોગદાન આપનારા લોકોને એક અલગ રીતની રસીદ આપવામાં આવશે, જેનાથી તે ટેક્સ છૂટનો ફાયદો પણ ઉઠાવી શકે છે.

(10:47 pm IST)