Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

દશે દિશાએ વિકસેલા ગુજરાતને રમત-ગમત ખેલકૂદ ક્ષેત્રે પણ અગ્રેસર બનાવવા રૂ. પ૬૦ કરોડનું માતબર બજેટ સરકારે ફાળવ્યું છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

યુવા ખેલાડીઓને રમતના મેદાનોમાં પરસેવો પાડી ખડતલ-સજ્જ-મજબૂત ક્ષમતા વર્ધનથી રાષ્ટ્રનિર્માણમાં જોડવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી :રમત-ગમતને વ્યાપક પ્રોત્સાહિત કરવા એક જ દિવસમાં રૂ. ૩૧.પર કરોડના ખેલકૂદ વિકાસકામોના ઇ-ખાતમૂહૂર્ત – ઇ લોકાર્પણ સંપન્ન

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દશે દિશાએ વિકસેલા ગુજરાતને રમત-ગમત ખેલકૂદ ક્ષેત્રે પણ અગ્રેસર બનાવવા રાજ્યમાં રમત-ગમત પ્રવૃત્તિઓ માટે રૂ. પ૬૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકારો આ ખેલકૂદ ક્ષેત્ર પ્રત્યે ઉપેક્ષા રાખીને રપ, પ૦ કરોડનું બજેટ ફાળવતી હતી. આપણે ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ દેખાવની તાલીમથી વિજેતા બને તે માટે માતબર રકમ ફાળવી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે આયોજિત ઇ-લોકાર્પણ, ઇ-ખાતમૂહૂર્ત કાર્યક્રમોમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કુલ મળીને રૂ. ૩૧.પર કરોડના વિકાસકામોની ભેટ ખેલ પ્રેમીઓને એક જ દિવસમાં આપી હતી.
તદઅનુસાર, મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ જિલ્લાના બીબીપૂરામાં રૂ. ૪.પ૬ કરોડના મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ અને ક્રિકેટ ગાઉન્ડ, મહેસાણાના પાંચોટમાં જિલ્લા રમત-ગમત સંકુલ ખાતે રૂ. પ કરોડના ખર્ચે નિર્માણ પામેલા મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલના લોકાર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમત-ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ સાંસદઓ એચ.એસ. પટેલ, જુગલજી લોખંડવાળા અને ધારાસભ્યો, પદાધિકારીઓની સંબંધિત કાર્યક્રમ સ્થળે ઉપસ્થિતીમાં આ ખાતમૂહૂર્ત-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
   વિજયભાઇ રૂપાણીએ રાજપીપળા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ડોરમેટરી બિલ્ડીંગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ડેસરના કેમ્પસમાં વિવિધ સુવિધાઓ અને સ્ટાફ કવાર્ટરના રૂ. ૧૯.૪૬ કરોડ મળી રૂ. ર૧.૯૬ કરોડના કામોના ઇ-ખાતમૂહૂર્ત પણ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદે યુવાશક્તિને ગીતાનું ખરા અર્થમાં અધ્યયન કરવું હોય તો રમતના મેદાનોમાં પરસેવો પાડી ખડતલ અને મજબૂત શારીરિક ક્ષમતા સાથે દ્રઢ મનોબળથી રાષ્ટ્ર કાર્યમાં જોડાવાની પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે પણ આ જ દિશામાં રાજ્યના યુવાધન-યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા છે.
‘‘સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, શક્તિદૂત યોજના વગેરે માધ્યમથી રાજ્યના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવાની અનેક તક આપી છે’’ તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના ર૧ જિલ્લાઓમાં અદ્યતન રમત-ગમત સંકુલો આપણે બનાવ્યા છે. એટલું જ નહિ, ખેલમહાકુંભ દ્વારા લાખોની સંખ્યામાં રાજ્યના ખેલ પ્રેમીઓમાં રમત-ગમત પ્રેમ જગાવીને કરોડો રૂપિયાના ઇનામોથી પ્રોત્સાહિત કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, રમત-ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ ઓલિમ્પિક ખેલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહનો-ઇનામો આપીને વધુ તાલિમબદ્ધ પણ કરે છે.
તેમણે જણાવ્યું કે, ખેલકૂદ-રમત ગમતથી યુવાશક્તિમાં સ્પોર્ટસમેન સ્પિરીટથી સામૂહિક ભાવ-રાષ્ટ્રભાવ ઊજાગર કરવા સાથે કલા મહાકુંભ જેવા આયોજનથી સાહિત્ય-કલા-સાંસ્કૃતિક ક્ષેત્રને પ્ણ રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે.
રમત-ગમત યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં યુવા ખેલાડીઓને પુરસ્કારો, સેન્ટર ઓફ એકસલન્સ, સ્પોર્ટસ એકેડેમી જેવા બહુંઆયામી આયોજનથી ખેલકૂદ ક્ષેત્રે પોતાની ક્ષમતા-કૌવત ઝળકાવવાની તક મળી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. 

(8:54 pm IST)